રાજકોટઃ રામનાથ પરા વિસ્તારમાં આવેલી અને જૂની જેલના નામે ઓળખાતી રાજાશાહી સમયની જેલને મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જ લેવામાં આવ્યો છે. આઝાદી સમયે કાળા પાણીની સજા ફટકારાતી હતી ત્યારે કેદીઓ અને સ્વાતંત્ર્ય સેનાઓને અંદામાનની જેલમાં મોકલાતા હતા. હવે આ જેલ જોવા સહેલાણીઓ જાય છે.
એ જ રીતે રાજકોટની જેલ જોવા પણ હવે ટુરિસ્ટ્સ આવશે. આંદામાન પછી દેશની આ બીજી જેલ હશે જે જોવાલાયક સ્થળોની યાદીમાં સમાવિષ્ટ થશે. જેલને મ્યુઝિયમમાં કન્વર્ટ કરવા માટે પોલીસ-અધિકારી અને સરકારી અધિકારીએ આ જગ્યાની મુલાકાત પણ લીધી હતી. રાજકોટની જે જેલ મ્યુઝિયમ બનશે એ અત્યારે ખંડેર થઈ ગઈ છે, પણ એનું રિનોવેશન થશે અને એની દરેક કોટડીની બહાર એમાં રહેનારા સ્વાતંત્ર્યસેનાનીનાં નામો લખાશે. આ ઉપરાંત પહેલાંના સમયમાં કેદીઓને કેવી સજા થતી એની જાણકારી અને એ સજા માટે ક્યા સાધનો વપરાતાં એ પણ મ્યુઝિયમમાં હશે.
સાઉન્ડ એન્ડ લાઈટ શો
રાજકોટમાં આવેલા આ મ્યુઝિયમ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ડિઝાઇન કરવામાં આવશે અને તે જેલમાં જ દેખાડવામાં આવશે. રાજાશાહી સમયની આ જેલમાં આઝાદીને લગતાં સોવેનિયરો પણ મળશે અને જેલમાં બુકશોપ પણ બનાવવામાં આવશે. બુકશોપમાં આઝાદી અને સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનને લગતા પુસ્તકો જ ડિસ્કાઉન્ટમાં વેચવામાં આવશે.