રાજકોટઃ ૨૬થી ૨૮ જાન્યુઆરી દરમિયાન મલેશિયામાં વિશ્વકક્ષાની યોગસ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની ૧૨ વર્ષની નેહા નિમાવતે ૧૪ દેશોના સ્પર્ધકોને પાછળ મૂકી પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવી રાજકોટની સાથે દેશનું નામ રોશન કર્યું છે.
રાજકોટની કડવીબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરતી સાધારણ પરિવારની ૧૨ વર્ષીય નેહા નિમાવત કહે છે કે, શાળામાં ૩ વર્ષ અગાઉ યોગનું શિક્ષણ આપવાનું શરૂ કરાયું હતું. બસ ત્યારથી જ મેં આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. મારા માતા-પિતાએ પણ આ માટે જરૂરી મદદ કરવાની શરૂ કરી દીધી હતી. માતા-પિતાની મદદ મળતા હું યોગની દુનિયામાં કારકિર્દી ઘડવા લાગી.
પ્રથમ સ્થાનિક બાદમાં રાજ્યસ્તરે યોગ પ્રદર્શન મેડલ મેળવ્યા હતા, પરંતુ મારી ઈચ્છા દેશના સીમાડા પાર કરવાની હતી. માતા-પિતાના આશીર્વાદથી મેં મલેશિયામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું અને આ સ્પર્ધામાં અન્ય ૧૪ દેશોના સ્પર્ધકોને પછાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.