રાજકોટઃ હેર ઓઈલ અને કોસ્મેટિક ક્ષેત્રે નામના ધરાવતી ‘સેસા’ બ્રાન્ડ મલ્ટિ નેશનલ કપંનીએ રૂ. ૧૫૦૦ કરોડમાં ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ડીલ પેટે કંપની દ્વારા પ્રથમ હપ્તો પણ ચુકવાઈ ગયો છે. બાકીનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં પુરું થઈ જશે તેમ માર્કેટ રિવ્યુઅર્સ દ્વારા જાણવા મળે છે. ‘સેસા’ બ્રાન્ડ નેમ મલ્ટિનેશનલ કંપની ‘ટુ નોટ’ કંપનીએ ખરીદ્યા છે. ‘સેસા’ બ્રાન્ડ નેમ હેઠળ હાલમાં હેરઓઈલ, શેમ્પુ, સ્પા, કેપ્સૂલ સિરપ તથા સાબુનું ઉત્પાદન થાય છે. જોકે માત્ર સેસા બ્રાન્ડનું જ વેચાણ થયું છે જયારે બાન લેબ્સ અને બીજી કંપનીઓ કે પ્રોડક્ટ આ ડીલમાં સામેલ નથી. માર્કેટમાં સમાચાર હતા કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે મોટું નામ ધરાવતી કેડિલા કંપની સાથે પણ ‘સેસા’ બ્રાન્ડના વેચાણ બાબતે વાટાઘાટો થઈ હતી, પરંતુ તે સોદો આગળ વધ્યો નહોતો. એ પછી બેંગલોર તેમજ મુંબઈમાં હેડકવાર્ટર ધરાવતી ‘ટુ નોટ’ કંપની સાથે વાતચીત ચાલી અને ડીલ ફાઈનલ થઈ.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં આ સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.