જામનગરઃ રાજકોટનો સ્ટોન કિલર અંતે જામનગરથી ઝડપાયો છે. સજાતીય સંબંધો બાંધવાની વિકૃતિથી પીડિત સ્ટોન કિલર છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં હત્યાઓ કરીને હાહાકાર મચાવતો હતો. સ્ટોન કિલર જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી પોતાનાં બહેનના ઘરેથી ઝડપાયો હતો. આ સ્ટોન કિલરનું નામ હિતેશ દલપત રામાવત છે. તે છેલ્લા છ માસથી જામનગરમાં રહીને રિક્ષા ચલાવતો હતો. અત્યાર સુધીમાં સ્ટોન કિલરે ૩ વ્યક્તિની હત્યા કરી છે અને રાજકોટ પોલીસે તેને પહેલી જુલાઈએ ઝડપી લીધો હતો. પ્રારંભિક માહિતી પ્રમાણે હિતેશ રાજકોટના મવડી વિસ્તારનો રહીશ હતો અને તેને સજાતીય સંબંધોનો શોખ હતો. પોલીસ સમક્ષ હિતેશે ૩ હત્યાની કબૂલાત કરી છે. આ મામલામાં લાંબાગાળાની શોધખોળ બાદ અંતે પોલીસને સફળતા મળી છે. સ્ટોન કિલરને પકડવા છેલ્લા ૨ દિવસથી પોલીસે જામનગરમાં ધામા નાંખ્યા હતા.
પોલીસને આ મામલામાં શરૂઆતથી જ સજાતીય સબંધો ધરાવતી વ્યક્તિ પર શંકા હતી અને સમગ્ર રાજકોટ શહેર સ્ટોન કિલરથી ફફડતું હતું. નોંધનીય છે કે મર્ડર માટે સ્ટોન કિલર ચોક્કસ વાર ફિક્સ કરે છે અને જેનું મર્ડર થાય છે તે પણ ચોક્કસ વિસ્તારનો રહેવાસી નીકળતો હતો.
સજાતીય સંબંધ બાંધવાના ઇરાદા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હત્યા નીપજાવી તે મૃતકના પરિવારને ફોન કરતો હતો. મૃતકના ફોનમાંથી જ હિંદી ભાષામાં તે પરિવારને કહેતો હતો કે, ‘ઈસકો ટપકા ડાલા હૈ...’
જયેશ નામના માણસને પણ તે આવા જ ઈરાદે ઉઠાવી ગયો હતો. પથ્થર પડે હુમલો પણ કર્યો હતો. જોકે જયેશ જીવ બચાવવામાં સફળ થયો હતો. રાજકોટનો વતની હિતેશ છેલ્લા છ માસથી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ઓરડી ભાડે રાખીને હતો. રાત્રે ટ્રેનથી રાજકોટ આવતો અને હત્યા કરીને પાછો જામનગર નીકળી જતો હતો.
ધીરજલાલની હત્યા
બીજી તરફ શાપર-વેરાવળના બસ સ્ટેન્ડમાં રાજકોટના ૫૮ વર્ષીય કડવા પટેલ વૃદ્ધ ધીરજલાલ ડાયાલાલ વિકાણીની પથ્થરથી માથું છૂંદીને થયેલી હત્યા સ્ટોન કિલરે નહીં, પણ પોરબંદરના કોળી સંદીપ કોળીએ કરી છે તેવી સીસીટીવી ફૂટેજ મળતાં પોલીસે પહેલી જુલાઈએ સંદીપની ધરપકડ કરી હતી. તે સાથે પટેલ વૃદ્ધની સ્ટોન કિલરે હત્યા કર્યાની આશંકા ખોટી ઠરી હતી. પટેલ વૃદ્ધ અને સંદીપ કોળી વચ્ચે અગાઉ બસ સ્ટેન્ડમાં ઊંઘવા બાબતે લાફાવાળી થઈ હતી તે જ વૃદ્ધની હત્યાનું કારણ હોવાનું સંદીપે પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે.
સ્ટોન કિલરે કરલાં મર્ડર
૨૦ એપ્રિલે સાગર મેવાડાની હત્યા
મવડીમાં જ પથ્થરથી માથું છૂંદીને હત્યા
રહેણાક: શ્રીનાથજી સોસાયટી, મવડી વિસ્તાર
૨૩ એપ્રિલે પ્રવીણ બારડની હત્યા
યુનિવર્સિટી રોડ પર રિક્ષા ચાલકનું મર્ડર
રહેણાકઃ શ્રેયસ સોસાયટી, મવડી વિસ્તાર
બીજી જૂને વલ્લભ રંગાણીની હત્યા
પાળગામની સીમમાં વલ્લભભાઇ પટેલનું મર્ડર
વિસ્તાર: વિસ્તાર મવડી પાસે ગુરુપ્રસાદ ચોક