રાજકોટ: કોરોનાની કપરી સ્થિતિમાં સૌરાષ્ટ્રના મુખ્ય શહેરમાં સમાવિષ્ટ રાજકોટની ત્રીજી વખત મુલાકાત લેતાં આરોગ્ય સચિવ જયંતી રવિએ ૭મી ઓગસ્ટે જણાવ્યું કે, રાજકોટનો કોરોના પોઝિટિવ રેટ ૧૮ ટકાથી ઘટાડીને ૧૦ ટકા સુધી લવાશે. પીડીયુ મેડિકલ કોલેજના કોન્ફરન્સ હોલમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ છે. સંક્રમણ હજુ સર્વોચ્ચ સ્તરે પહોંચવાનું બાકી છે. જોકે, બાદમાં સંખ્યા સ્થિર થઇ જશે. તેમણે આ દિવસના કોરોના અંગેનાં લેખાંજોખાં જણાવ્યાં કે, રાજકોટ જિલ્લામાં કુલ ૯૯૦ કેસ એક્ટિવ છે. જેમાં રાજકોટ શહેરના ૭૩૩ અને ગ્રામ્યના ૨૧૭ છે.
ડબલ્યુએચઓ તથા ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર દર ૧૦ લાખની વસ્તીએ ૧૪૦ ટેસ્ટ કરવાના હોય છે, પરંતુ રાજકોટમાં ગઇકાલે (છઠ્ઠી ઓગસ્ટે) ૭૦૭ ટેસ્ટ કરાયાં અને રોજ સરેરાશ ૫૦૦ ઉપરાંત ટેસ્ટ થાય છે. અમારો લક્ષ્યાંક ટેસ્ટિંગ વધારાવાનો છે. ધારાધોરણો નક્કી કરાયાં છે તેનાથી ૪ ગણા ટેસ્ટ રાજકોટમાં થઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં ૧૬,૦૦૦ આસપાસ એન્ટિજન કિટ પહોંચાડાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં કુલ કેસના ૫૦ ટકા દર્દીઓ કોવિડ કેર સેન્ટર તેમજ ૩૦ ટકા દર્દીઓ હોમ ઓઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. ધન્વંતરી રથ અને ડોર ટુ ડોર સર્વેલન્સ પર પણ ભાર મુકાયો છે.