રાજકોટઃ મનુષ્યોમાં આઈવીએફ પદ્ધતિ પ્રચલિત છે, પણ હવે ગાયની પ્રજાતિમાં પણ તે શક્ય હોવાનું જણાયું છે. રાજકોટમાં આઈવીએફથી ગીર ગાયની શુદ્ધ ઓલાદ મેળવવા સફળ પ્રયત્ન કરાયો છે. તેમાંથી ભારતના પ્રથમ આઈડેન્ટિકલ ટ્વિન વાછરડાંઓનો જન્મ થયો છે. રાજકોટ નજીક શાશ્વત ગૌશાળા ધરાવતા દિલીપભાઈ તંતીને જે. કે. ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા આઈવીએફ પદ્ધતિથી ગાયોમાં ગર્ભાધાનની માહિતી મળી હતી. વર્ષ ૨૦૧૮ના ઓગસ્ટમાં પોતાની ગૌશાળામાં તેમણે આ પ્રયોગ કર્યો હતો. આ માટે શુદ્ધ ગીર નસલની ગાય પસંદ કરાઈ હતી. તેમાંથી ઈંડા કાઢીને ખાસ આઈવીએફ મોબાઈલ લેબમાં આખલાના વીર્ય દ્વારા ફલિત કરાયા અને ભ્રૂણ બનાવી અલગ અલગ ગાયોમાં મુકાયા હતા.
૮ વાછરડાં માટે પ્રયોગ
આ ગાયો પૈકીની ૧ ગાયે બે વાછરડાંને તાજેતરમાં જન્મ આપ્યો છે. જે. કે. ફાઉન્ડેશનના ડો. શ્યામ ઝવારે જણાવ્યું કે, એક જ ભ્રૂણ ગર્ભમાં ગયા બાદ બે ભાગમાં વહેંચાયું હોય અને તેનાથી આઈડેન્ટિકલ ટ્વિન બન્યા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે. આ બંને વાછરડામાં ચામડીના રંગ, ધાબા, આંખ બધું જ સરખું છે. જે બંનેના ડીએનએ ટેસ્ટ થાય તો તે પણ સમાન જ આવશે. માત્ર આ એક જ રેકોર્ડ નથી સામાન્ય રીતે ગાયમાંથી એક વખતમાં ૪૦ જેટલા ઈંડા નીકળે છે જ્યારે રાજકોટની ગાયમાંથી ૬૯ ઈંડા નીકળ્યા અને તે ઉચ્ચ ફળદ્રુપતા ગણાય. આ સંખ્યા પણ દેશમાં સૌથી વધુ છે.
ગૌરી ૬૫ વાછરડાંની મા
ડો. શ્યામ ઝવારના જણાવ્યા અનુસાર એક ગાયમાંથી સપ્તાહે ૪૦થી ૫૦ ઇંડા નીકળે, જેમાંથી સારા ઇંડા ફલિત કરીને ૫ વાછરડાંની માતા બની શકે છે. ગૌરી નામની ગીર ગાય ૬૫ વાછરડાની માતા બની છે.
શુદ્વવંશ માટે ૧૫૦ના ટેસ્ટ
રાજકોટમાં શુદ્ધ ગીર વંશ માટે ૧૫૦ ગીર ગાયોનો ડીએનએ ટેસ્ટ કરાયો હતો. આ ગાયો અસલ ગીર નસલની દેખાતી હતી. જોકે ૧૫૦માંથી માત્ર ૨૬ જ શુદ્વ ગીર નસલની હતી. બાકીની ગાયોમાં એચએફના ડીએનએ જોવા મળ્યા હતા.