અમદાવાદઃ રાજકોટના હીરાસરમાં ગ્રીનફિલ્ડ એર પોર્ટ બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ એરપોર્ટને રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાશે અને તેમાં ઈક્વિટી મોડેલ કયુ રાખવું તેનો નિર્ણય એર પોર્ટ ઓથોરિટી લેશે. રાજકોટથી ૨૮ કિ.મી.ના અંતરે આવેલા હીરાસરમાં આ પ્રસ્તાવિત એર પોર્ટને ૧૦૨૫.૫૪ હેક્ટરમાં તૈયાર કરાશે અને તેમાંથી ૯૬.૪૮ સરકારની માલિકની જમીન રહેશે.
રાજકોટનું ગ્રીનફિલ્ડ એર પોર્ટ સ્પેશિયલ પર્પઝ વ્હિકલથી તૈયાર કરાશે તેમ કેબિનેટની બેઠક બાદ કેન્દ્રિય નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું. વાઈબ્રન્ટ સમિટ વખતે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વચ્ચે રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટ અંગે એમઓયુ પણ થયા હતા. ૧૦૨૫.૫૪ હેક્ટરની એરપોર્ટની જમીનમાં ૨૫૦ એકર ગ્રીન ઝોન તરીકે, ૫૨૫ એકરમાં મુસાફરોની સુવિધા અને ૨૫૦ એકરમાં એવિએશન પાર્ક બનાવાશે.
પર્યાવરણની બાબતોને ધ્યાનમાં રાખીને જે એરપોર્ટ તૈયાર કરાયું તેને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહેવાય છે. ભારતમાં હાલમાં રાજકોટ ઉપરાંત હૈદરાબાદ, બેંગલુરુ, વિશાખાપટ્ટનમમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનો પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે.