રાજકોટઃ કોરોનાએ રાજકોટમાં સામાન્ય પ્રજા ઉપરાંત તબીબી જગતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ શહેરમાં આશરે ૧૨પ તબીબો કોરોનાથી સંક્રમિત થયાં છે. આઈએમએના સૂત્રોએ જણાવ્યું કે, પૂરતી તકેદારી લેવા છતાં દર્દીઓની સારવાર કરવાની હોવાથી આશરે સવાસો ડોક્ટર્સ કોરોના સંક્રમિત થયાં છે.
કોરોનાનો ભોગ ન બને તે માટે તબીબો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા હોય છે અને માસ્ક પણ સતત પહેરી રાખે છે. હાથને સેનેટાઈઝ કરવાનું તેઓ ભૂલતા નથી અને દર્દીને જોતી વખતે અચૂક હેન્ડગ્લોવ્ઝ વાપરે છે. ઈમ્યુનિટી વધે તેવો ખોરાક અને કાળજી પણ લે છે છતાં તેઓ કોરોનાગ્રસ્ત બનતાં ભય ફેલાયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના અહેવાલો પ્રમાણે, આ વાઈરસ ભયજનક સ્થિતિએ છે. તબીબોને ચેપનો ભય પણ રહે છે છતાં દર્દીની સારવાર કરવાનું બંધ કરાશે નહીં.
૧૮૦૦ તબીબો માટે રેડ એલર્ટ
૧૨૦ તબીબોને કોરોનાનો ચેપ લાગતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) રાજકોટનાં ૧૮૦૦ એલોપેથિક ડોક્ટર્સ માટે રેડએલર્ટ જારી કર્યું છે. આઈએમએએ જારી કરેલા રેડ એલર્ટમાં જણાવ્યા મુજબ વસ્તી પ્રમાણે સૌથી વધારે કોરોના કેસ સાથે રાજકોટ હવે રાજ્યમાં હોટસ્પોટ બન્યું છે. ચિંતાજનક રીતે ૧૨૦થી ૧૨૫ તબીબો કોરોનાથી સંક્રમિત થવા એ ચિંતાજનક હોવાનું આઈએમએએ જણાવ્યું છે. અનેક ડોક્ટર પોતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા છે ત્યારે તબીબોને વધુ તકેદારી રાખવા એએમએએ જણાવ્યું છે.
રાજકોટ હોટસ્પોટ બન્યું
આઈએમએના હેડ ક્વાર્ટર દ્વારા બે માસ અગાઉ રાષ્ટ્રવ્યાપી રેડએલર્ટ જારી કરાયું હતું ત્યારે આ યાદીમાં મુંબઈ અને અમદાવાદમાં સૌથી વધુ ડોક્ટર્સ સંક્રમિત થયા હોવાનું જણાવાયું હતું. હવે આ યાદીમાં રાજકોટમાં સ્થિતિ નિયંત્રણમાં નહીં હોવાનું જણાવાયું છે.
એએમએએની માર્ગદર્શિકામાં તબીબોને સ્ટાન્ડર્ડ માસ્ક, ગ્લોવ્ઝ, કેપ, એપ્રનનો સંપૂર્ણ સમય ઉપયોગ કરવા જણાવાયું છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓથી દૂર રહીને તેમની સારવાર કરવા અને સગાસંબંધીઓથી પણ સલામત અંતર જાળવવા સહિતની સૂચના માર્ગદર્શિકામાં છે.