રાજકોટઃ શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા ૬ મહિનાથી પુરાયેલી અને કોમામાં સરી પડેલી યુવતીની સાથી સેવા સંસ્થાએ મદદ કરી અને યુવતીને ૧૮મી જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાવાઈ છે. સાથી સેવા ગ્રૂપના જલ્પાબહેન પટેલ અને તેમની ટીમે જણાવ્યું કે, ૨૫ વર્ષની આ યુવતીનું નામ અલ્પા છે અને તે C.A.નો અભ્યાસ કરતી હતી.
જોકે છ મહિનાથી તે એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા આઠ દિવસથી યુવતીએ ખાધુ-પીધું ન હોવાથી તે કોમામાં સરી પડી હતી અને મોઢામાં ફીણ પણ આવી ગયેલી હાલતમાં મળી આવી હતી.
યુવતી મળી આવી તે રૂમમાં આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યાં હતાં તેથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઇ રહી છે. યુવતીની હાલત પાછળ માતાની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું જણાયું હતું.
પાડોશીઓને દુર્ગંધ આવતાં સાથી સેવાનો સંપર્ક
પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતાં સાથી સેવા ગ્રૂપના જલ્પાબહેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબહેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. જોકે પરિવાર કોઈને અંદર આવવા દેતો નહોતો. જલ્પાબહેન સાથે પરિવારના સભ્યોને લાંબી રકઝક થઇ હતી. એ પછી તેઓને અંદર આવવા દીધાં હતાં. રૂમમાં પહોંચતાં જ તેમને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.