રાજકોટ: સોનીબજારમાં દુકાન ધરાવતા સોની પિતા-પુત્રોની ત્રિપુટીએ છ વેપારીઓ પાસેથી રૂ. ૧.૫ કરોડનું સોનું મેળવ્યા બાદ મથુરામાં માલ ચોરાઇ ગયાનું બહાનું કાઢીને મકાન ખાલી કરી ફરાર થઇ જતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ત્રણેય વિરુદ્વ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
રેસકોર્સ પાર્કમાં રહેતા અને સોની બજારમાં શાલીભદ્ર પેલેસ કોમ્પલેક્સમાં શ્રીજી જ્વેલર્સ નામે સોનાના દાગીના બનાવાની દુકાન ધરાવતા હોલસેલર સંદીપ પાટડિયાએ અમીન માર્ગ પર ત્રિશા બંગલોમાં રહેતા ભરત રામજી લોઢિયા, મયુર ભરત લોઢિયા અને અમીત ભરત લોઢિયા નામના સોની પિતા- પુત્રોની ત્રિપુટી ૪૬૨૦ ગ્રામ સોનું લઇ ફરાર થઇ ગયાની ફરિયાદ નોંધાવવા પોલીસે ત્રણેય વિરુદ્વ ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસમાં પછીથી જાણવા મળ્યું હતું કે, સંદીપ સોની ઉપરાંત ત્રિપુટીએ સંજય થડેશ્વર પાસેથી રૂ. ૬૫.૩૯ લાખના દાગીના, રાકેશ ઘૂટલા પાસેથી રૂ. ૧૨.૬૦ લાખ, ઉજ્વલ મલિક પાસેથી રૂ. ૫.૭૦ લાખ અને લખન બેડા પાસેથી રૂ. ૭.૩૫ લાખનું સોનું પણ મેળવ્યું હતું અને બાદમાં ફરાર થઇ ગયા હતા. ભરત સોનીએ મથુરામાં ૪ કિલો સોનું ચોરાઇ ગયાનું કહી દીવાળી પછી નાણાં ચૂકવી દેવાની વાત કરી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે.