રાજકોટઃ કોરોનાના વધતા જતા ભરડાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાનો લોકમેળો તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં યોજાતા ખાનગી લોકમેળાને નહીં યોજવા જિલ્લા તંત્રએ નિર્ણય કરીને તેની સતાવાર જાહેરાત કરી હતી. રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, સામાજિક મેળાવડા હાલના સંજોગોમાં યોજવા હિતાવહ નથી. લોકમેળામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય તેમ નથી તેવા સંજોગોમાં મેળાઓ યોજવા હિતાવહ નથી. કેન્દ્ર અને રાજય સરકારની માર્ગદર્શિકા પણ કોરોનાને લઈને જાહેર થઈ છે તેમા પણ સામાજિક મેળાવડાઓ ઉપર પ્રતિબંધ છે.
આ બધી બાબતોને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા તંત્રએ જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજવા માટે નિર્ણય કર્યો છે. ખાનગી મેળાઓ માટે પણ ચાલુ વર્ષે રોગચાળાને ધ્યાને રાખીને નહિ આપવામાં આવે. નોંધનીય છે કે, જન્માષ્ટમીમાં રાજકોટમાં છેલ્લા ૫૦ વર્ષથી લોકમેળો યોજાય છે. અગાઉ મળો શાસ્ત્રીમેદાનમાં યોજાતો હતો. તે છેલ્લા એકદાયકાથી રેસકોર્સમાં યોજાય છે. લોકમેળામાં લાખોની જનમેદની ઉમટી પડે છે અને ધંધાર્થીઓ તેમજ લોકમેળાનું આયોજન કરતા જિલ્લા તંત્રને પણ સારી એવી કમાણી થાય છે.
જો સરકારી મેળો યોજાય તો પછી ખાનગી મેળો યોજવા ઈચ્છતા આયોજકોને પણ મંજૂરી આપવી પડે. આ સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધી જાય અને કેસની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે.