રાજકોટમાં જાહેરમાં થૂંકનાર-ગંદકી કરનારને રૂ. ૧૦૦૦ સુધીનો દંડ

Wednesday 22nd May 2019 06:37 EDT
 

રાજકોટ: અમદાવાદ મહાપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને થૂંકનારાઓ ઉપર કડક કાર્યવાહી માટે સીસીટીવી કેમેરાની મદદથી ઈ મેમો પાઠવવાની જાહેરાત કર્યા પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક જાહેરમાં થૂંકનારાઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કમિશનર દ્વારા બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે રાજકોટ શહેરમાં જાહેરમાર્ગો, જોવા લાયક સ્થળો બાગ-બગીચા વગેરે સ્થળોએ સંપૂર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તે જરૂરી છે. આ માટે શહેરમાં પાન, માવા, ફાકી, ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. શહેરમાં જુદા જુદા સ્થળે સીસીટીવી કેમેરા પણ છે. જેનું મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાત કરાશેે અને શહેરમાં ગંદકી કરનારને ઈ મેમો દ્વારા યોગ્ય દંડ થશે. જાહેરનામામાં જણાવાયું કે, ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇપણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનાર કે પાન, માવા, ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેંકનાર કોઇપણ નાગરિક સીસીટીવી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તમના ઘરે પ્રથમ વખત રૂ. રપ૦ તથા બીજી વખત રૂ. પ૦૦ તથા બે વખતથી વધારે રૂ. ૭પ૦નો ઇ-મેમો મોકલવામાં આવશે.
આ ઇ-મેમો મળતા વાહન માલિકોએ દિવસ-૭ (સાત)ની અંદર ઇ-મેમાની રકમ નજીકની વોર્ડ ઓફિસ અથવા સિવિક સેન્ટરે ભરપાઇ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઇ કરવામાં ન આવે તો સેનેટરી ઇન્સપેકટર મારફત રૂ. ૧૦૦૦ની રકમ રૂબરૂ વસૂલ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter