રાજકોટઃ ગાયત્રીનગરમાં રહેતા કમલેશભાઈ સાગલાણી અને કીર્તિબહેન કમલેશભાઈ સાગલાણી નામના વૃદ્ધ દંપતીએ બીજી મેએ રેસકોર્ષના બગીચામાં સજોડે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા દંપતીમાંથી સારવાર દરમિયાન કીર્તિબહેનનું મૃત્યુ થયું હતું. પોલીસ તપાસમાં દંપતીના પુત્ર દ્વારા જાણવા મળ્યું કે, ઝેરી દવા પી લીધા બાદ પુત્ર મયૂરને ફોન કરીને દંપતીએ જાણ કરી હતી કે હાથીખાનામાં ઇમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા કમલેશભાઈ અને ગુંદાવાડીમાં ઇમિટેશન જ્વેલરીનો થડો રાખીને વેપાર કરતા કીર્તિબહેન પર ઈમિટેશન ધંધામાં રૂ. ૫૦ લાખથી વધુનું બેંકનું દેવું થયું હતું. ધંધામાં મંદી હોવાથી બેંકના હપતા ચડી જતાં દેણું થઈ જવાથી આર્થિક ભીંસના કારણે તેમણે આ પગલું ભરી લીધાનું પુત્રને ફોનમાં જણાવ્યું હતું.