રાજકોટઃ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સની મદદથી રાજકોટમાં નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન તાજેતરમાં લોન્ચ કર્યું હતું. રાજકોટમાં મેક ઈન ઇન્ડિયા મશીન તૈયાર કરવામાં આવતા હાલના કોરોના વાઇરસના સંક્ર્મણ સામે સુરક્ષા કવચ એવી PPE કીટ સીલિંગથી સો ટકા સુરક્ષિત બની રહે છે તે જાણી તેમણે ઉત્પાનદકર્તા તેમજ આઈ.એમ.એ. રાજકોટના ડોક્ટર્સને આ ઈન્વેનશન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ જણાવ્યું હતું કે મેડિકલ સ્ટાફ હાલ કોરોના સામે બાથ ભીડી રહ્યો છે જેમને સંપૂર્ણ સુરક્ષિત રાખવા જરૂરી છે.
કલેકટર કચેરી ખાતે કોન્ફરન્સથી હોટ એર સીમ સીલિંગ મશીન વિશે માહિતી આપતા મેકપાવર સી.એન.સી.ના ડાયરેક્ટર રૂપેશ મહેતાએ મુખ્ય પ્રધાનને જણાવ્યું હતું કે, આ મશીન વિદેશથી આયાત કરવું પડે છે જેની કિંમત વધારે હોવાનું તેમજ ડિલિવરીને ૩થી ૪ મહિના જેટલો સમય થાય છે. PPE કીટ સીલિંગ માટે સ્વદેશી મશીનનું નિર્માણ કરવા આઈ.એમ.એ. રાજકોટના માર્ગદર્શન હેઠળ ટૂંકા ગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. ચાઇના અને કોરીયાના મશીન કરતા કિંમત ૫૦ જેટલી ઓછી રહેશે. હાલ કંપની દ્વારા પ્રથમ બેચમાં ૨૦૦ યુનિટ તૈયાર કરવામાં આવશે. જેની કિંમત રૂ. ૪ લાખ જેટલી થશે.
૧૦૦ ટકા એર તેમજ વોટરપ્રૂફ
આઈ.એમ.એ. રાજકોટના કોરોના ટાસ્ક ફોર્સના ડો. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, PPE કીટના સિલાઈના ભાગને સીલ કરવો જરૂરી હોય છે. અન્યથા આ ભાગમાંથી વાઇરસના સંક્રમણની શક્યતા રહે છે. કીટ ૧૦૦ ટકા ત્યારે જ સુરક્ષિત બને છે જ્યારે તેને સીલિંગ કર્યું હોય. કીટ આ મશીનની મદદથી ૧૦૦ ટકા એર તેમજ વોટરપ્રૂફ બને છે. ભારતમાં સૌ પ્રથમ ગુજરાત અને રાજકોટ ખાતે હોટ એર સિમ સીલિંગ મશીન બનાવી રાજકોટ અને ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં હાલ ગુંજતું થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મેક ઈન ઇન્ડિયાના વિઝનને સાકાર કરતું આ મશીન સોંઘી કિંમતે પૂરતી સર્વિસ સાથે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનતા ભારત ખાતે PPE કીટના નિર્માતાઓને સીલિંગ મશીનની પૂર્તિ શક્ય બની છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સમાં કલેકટર રેમ્યા મોહન, મેક પાવરના રૂપેશ મહેતા, નિકેશ મહેતા આઈ.એમ.એ. રાજકોટ ચેપ્ટરના પ્રમુખ ડો. ચેતન લાલસતા, સેક્રેટરી ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠક્કર, કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૨૦ દિવસમાં તૈયાર
દેશમાં આવા હોટ એર સીમ સિલીંગ મશીનની પૂરતી ઉપલબ્ધી નથી આથી તે વિદેશથી આયાત કરવા પડે છે. ચીન અને કોરિયાથી આયાત થતાં આવા મશીનની કિંમત પણ રૂ. ૭ થી ૮ લાખ અને ડિલિવરીનો સમયગાળો પણ ૧૨-૧૩ અઠવાડિયા થઇ જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ભારતમાં આવા મશીન્સનું નિર્માણ ૫૦ ટકા ઓછી કિંમતે કરવા માટે મુખ્ય પ્રધાનના દિશા દર્શનમાં રાજકોટની આ મેકપાવર સી.એન.સી. મશીન્સ લિમિટેડે ચેલેન્જ ઉપાડીને આ ઉત્પાદન સફળતા મેળવી છે. માત્ર ૨૦ જ દિવસના ટૂંકા ગાળામાં ૧૦૦ વ્યકિતઓ-કામદારોની ટીમે ૮૦ ટકા ઇન હાઉસ પાર્ટસ સાથે ભારતમાં સૌપ્રથમ હોટ એર સીમ સિલિંગ મશીનના ઉત્પાદનનું ગૌરવ રાજકોટને અપાવ્યું છે.