રાજકોટઃ શહેર પાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ ‘સ્કલ્પ્ચર’ પ્રોજેકટ અંતર્ગત ગાંધીજીનો વિશાળ ચરખો બનાવડાવ્યો છે જેણે બે આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય રેકોર્ડ મેળવ્યા છે. ગુજરાત રાજ્ય લલિત કલા, શિલ્પ કલારત્ન, સુરેન્દ્રનગરનું સોનું સહિતના એવોર્ડ મેળવનાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના કલાકાર રાજેશ મુલિયા (ઉ. ૩૯)એ રાજકોટમાં ૧૨ દિવસની મહેનત બાદ રેસકોર્સના વર્કશોપમાં લોખંડના સ્ક્રેપમાંથી ૧૬ ફૂટ લાંબો અને ૧૨ ફૂટ ઊંચો ગાંધી ચરખો બનાવ્યો હતો. જેને ટ્રેડિશનર બુક ઓફ રેકોર્ડ્સ (મોરેશિયસ), ડાયમંડ વર્લ્ડ રેકોર્ડ્સ - કોહિનૂર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ અને એમેઝિંગ બુક ઓફ ઇન્ડિયન વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. રાજેશભાઈએ ચારેય સર્ટિફિકેટ પ્રસ્તુત કરી આશા વ્યક્ત કરી કે, ભાવિમાં આ ચરખાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળે તે માટે દાવેદારી કરશે. માત્ર સ્ક્રેપ મટીરિયલનો ઉપયોગ કરી બનાવવામાં આવેલો દેશનો આ પ્રકારનો પ્રથમ ચરખો છે.