રાજકોટ: મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ન્યૂ રિંગ રોડને લાગુ રેસકોર્સ-૨ ખાતેના તળાવને ઊંડુ કરવાના અભિયાનનો પાંચમી મેએે પ્રારંભ કરાવ્યો હતો. ૪૫ એકરમાં પથરાયેલા આ કુદરતી તળાવને ઊંડુ ઉતારવામાં આવશે. જેથી વધુ જળસંગ્રહ થઈ શકે. મુખ્યપ્રધાને આ તળાવનું ‘અટલ સરોવર’ નામકરણ કર્યુ હતું. આ ઉપરાંત આગામી એક મહિનામાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીને ટ્રીટ કર્યા બાદ શુદ્ધ જળ તળાવમાં છોડી શકાય તે માટેની રિસાયક્લિંગ પોલીસી અમલી બનાવાશે તેવી પણ જાહેરાત મુખ્ય પ્રધાને કરી હતી.
લાખોટા મ્યુઝિયમની કાયાપલટ
જામનગરમાં પાંચમી મેએ સાંજે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ઐતિહાસિક રણમલ તળાવની વચ્ચે રૂ. ૧૮ કરોડના ખર્ચે નવાં આકર્ષણો સાથે નવનિર્મિત લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. અગાઉ રૂ. ૪૫ કરોડના ખર્ચે શહેરનાં રણમલ તળાવ સંકુલની કાયાપલટ થઈ હતી. એ પછી રૂ. ૧૮ કરોડના ખર્ચે લાખોટા મ્યુઝિયમની કાયાપલટ થઈ છે. આ ઉપરાંત જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલાં ૬૬૦ આવાસોનો લાભાર્થીઓ માટે ડ્રો મુખ્ય પ્રધાનની હાજરીમાં કરવામાં આવ્યો હતો.