શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે નરેન્દ્ર મોદીનું મંદિર બનાવીને વડા પ્રધાનને વહાલા થવાનો પ્રયાસો કરનાર કાર્યકરો સામે ઉચ્ચ કક્ષાએ નારાજગી વ્યાપી છે.
આ મંદિરના નિર્માણકર્તા કોઠારીયાના રમેશ ઉંધાડ, જયેશ લાઠીયા અને ઓમ ગ્રૂપ સામે સ્થાનિક નેતાઓ રોષ વ્યક્ત કરતાં અને જિલ્લા તંત્ર ઉપર ઉચ્ચ સ્તરેથી સરકારનો આદેશ આવતા મંદિર તોડી નાખ્યું હતું. મંદિર તોડતા પહેલા આયોજકોએ ત્યાંથી મૂર્તિ હટાવી લીધી હતી. હવે આ સ્થળે ભારતમાતાનું મંદિર બનાવવા વિચારાશે. પોતાનું મંદિર બન્યું હોવાનું વડા પ્રધાન મોદીએ સમાચાર માધ્યમો દ્વારા જાણતા તેમણે ટ્વિટર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મોદીએ ત્રણ ત્રણ વખત ટ્વીટ કરીને આવા મંદિરને મહાન ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ ગણીને રોષ પ્રગટ કર્યો હતો. તેમણે આયોજકોને આવી કોઈ પ્રવૃતિ નહિ કરવા પણ અપીલ કરી હતી. તેમણે આગ્રહ સાથે જણાવ્યું હતું કે, જો તમારી પાસે સમય અને સંશાધન હોઈ તો તમે સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે કાર્યરત થાવ. આ મોદી મંદિરનું ઉદ્ધાટન કરવા માટે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મોહનભાઈ કુંડારીયાને નિમંત્રણ મોકલાયું હતું અને તેઓ ૧૫ ફેબ્રુઆરીએ તેનું લોકાર્પણ કરવાના હતા.