રાજકોટ: રાજકોટ એરપોર્ટ પર ૩૦મી મેએ વહેલી સવારે જેટ એરવેઝની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ ટેઈક ઓફ થઈ રહી હતી ત્યારે જ પ્લેન સાથે પક્ષી અથડાતાં પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી અને પાઈલોટે સમય સૂચકતા વાપરીને તાકીદે ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. તરત જ રાજકોટથી મુંબઈ જનારી આ ફ્લાઈટને રદ કરી નાંખવામાં આવી હતી. ક્ષતિગ્રસ્ત પ્લેનના રિપેરીંગ માટે મુંબઈથી ખાસ ટીમ આવી હતી. આ રદ થયેલી ફ્લાઈટમાં ૯૦ મુસાફરો હતા. તે પૈકીના કેટલાક મુસાફરોએ રિફંડનો વિકલ્પ પસંદ કર્યો હતો. તો કેટલાકે અન્ય વ્યવસ્થા થાય તેની રાહ જોઈ હતી.
રાજકોટ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ વિમાની મથકે ૩૦મી જુને સવારની જેટ એરવેઝની મુંબઇની ફ્લાઈટ ટેઈક ઓફ થઈ હતી ત્યારે જ પક્ષી પ્લેન સાથે અથડાયું હતું. આના કારણે પ્લેનની બ્લેડને ક્ષતિ પહેંચી હતી અને તાકીદે વિમાનનું ઉતરાણ કરાયું હતું.