રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબહેન ભેસાણિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની આગેવાનીમાં જુદા જુદા ક્ષેત્રના ૩૦થી વધુ આગેવાનોએ તાજેતરમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે, હજુ ભાજપના ચાર-પાંચ કોર્પોરેટરો કોંગ્રેસમાં આવી રહ્યા છે. દક્ષાબહેને જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર, ધારાસભ્ય તેમજ રાજકોટ ભાજપના આગેવાનો મારી ગ્રાન્ટમાંથી થયેલા વિકાસ કામો અન્યના નામે ચડાવી દેતાં મેં ધ્યાન દોર્યું હતું. આ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી સૂચવેલા કામો પણ પાલિકાના અધિકારીઓને કરતા અટકાવવામાં આવતા હતા.