રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં માસ્ક પહેર્યાં ન હોય તેવા લોકો પાસે પહેલાં ૧૦૦૦ રૂપિયા અને બાદમાં રાજ્ય સરકારની સૂચના આવતા ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરે છે. દંડ વસૂલ કરવાની કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે માથાકૂટ થાય છે. પાલિકાએ માસ્કની રકમ વસૂલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. પાલિકાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય તેમના ફોટા પાડે છે અને માસ્ક વગર નીકળ્યા હોય તેમના ઘરે ઇ-મેમો મોકલી આપવાનું શરૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટમાં માસ્ક ફરજિયાત અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને માસ્ક વગર નીકળતા લોકો પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલાત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરવા સૂચના આપતા હાલ ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરાય છે. જેમાં દૈનિક સરેરાશ ૧૦૦થી વધુ લોકો માસ્ક વગર પડકાય છે. ૪૦૦થી વધુ લોકોને માસ્ક ન પહેરવા બદલ ઇ-મેમો મોકલ્યો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.