રાજકોટઃ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાતા પાંચ દિવસના લોકમેળાના ૨૬મીએ છેલ્લા દિવસે હજારો લોકો ઉમટયા હતાં. મેળાનો છેલ્લો દિવસ હોવાથી ગામે ગામથી લોકો ઉમટી પડતા મોડી રાત્રિનાં રેસકોર્ષનું આખું મેદાન ઉપરાંત આજુબાજુના રસ્તાઓ ઉપર હૈયે હૈયું દળાય તેટલી મેદની ઉમટી પડી હતી.
રાજકોટના મલ્હાર લોકમેળામાં ૨૬મીએ વરસાદી માહોલ હોવા છતાં મેઘરાજા નડતરરૂપ નહીં બનતા તમામ ધંધાર્થીઓને ઈચ્છિત ધનલાભની પ્રાપ્ત થઈ હતી. રમકડા, સ્ટોલ અને યાંત્રિક આઈટમોની ઘરાકીનો ધમધમાટ મોડી રાત્રિ સુધી યથાવત રહ્યો હતો. રાત્રિનાં ૧૨ વાગ્યા સુધી મલ્હાર મેળાને કારણે ચારે બાજુ આનંદ કિલ્લોની છોળો ઉડતી રહી હતી. મધરાતે મેઘાવી માહોલમાં લોકમેળાનું સમાપન થયું
હતું. પાંચ દિવસ દરમ્યાન ૧૦ લાખથી વધુ લોકોએ લોકમેળો માણ્યો હતો.