રાજકોટ: હડમતિયા બેડી ગામે આઠમે રાતે અચરજ કહેવાય એવો બુલેટ-જીપ રાસ યોજાયો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત આ રાસ નવરાત્રિના દિવસોમાં માત્ર એક વાર રમાય છે. રાસમાં કુલ દસ છોકરીઓમાંથી પાંચ છોકરાના વેશમાં રમે છે. ખૈલેયા વાહનમાંથી ઊતરીને રાસ નથી લેતા, પણ રાસનાં બધાં સ્ટેપ જીપના બોનેટ અને બુલેટ પર જ થાય છે. રાસ ચાલે ત્યારે જીપ- બુલેટ ગરબીના સ્થાને ગોળ-ગોળ ફરતાં રહે અને ફરતી એ જીપ-બૂલેટ પર રાસ પણ ચાલુ રહે. ગરબી મંડળના સભ્ય ધર્મેશભાઈ ગડિયાએ કહ્યું હતું કે, આધુનિકતાને ધ્યાનમાં રાખીને આ વાહન ઉમેર્યાં છે, પણ એમાં પરંપરાગત માતાજીના ગરબા તો ગવાય જ છે. ત્રણ ગરબાનો એક ગરબો બનાવીને આ રાસ ૧૬ મિનિટ રમાય છે. વન્સમોર થાય તો રાસ ૪૦ મિનિટ પણ ચાલ્યો હોય એવું બન્યું છે.