રાજકોટઃ કોરોના મહામારીની સ્થિતિ રાજકોટમાં ભયજનક છે. ૧૮ સપ્ટેમ્બરે રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ૨૫ દર્દીઓનાં મોત થયાં હતાં. ચિંતાજનક વાત એ છે કે સપ્ટેમ્બર માસના પહેલા પખવાડિયામાં જ આશરે ૫૦૦ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો અને એ પછી પણ કોરોના અંગે રાજકોટની સ્થિતિમાં સુધારો જણાતો નથી. રાજ્ય સરકાર કે મહાપાલિકાના આંકડાઓ સતત દર્શાવે છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવિટી રેટ ઘટયા. સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ પખવાડિયામાં ૫૦૦ દર્દીનાં મોત થાય એ પરિસ્થતિ વિપરીત હોવાનો સંકેત આપે છે.
રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં દર્દીનું મૃત્યુ થાય એટલે તે મૃત્યુ કોરોનાથી થયું કે નહીં તે સરકારે નિમેલી ઓડિટ કમિટી જાહેર કરે છે, પણ હાલમાં હોસ્પિટલમાં મૃત્યુ પામેલા તમામ મૃતદેહોને શહેરના રામનાથપરા, સોરઠિયાવાડી, મોટામવા, મવડી એ ચાર સ્મશાનોએ અંતિમવિધિ ફરજિયાત કરવાની હોય છે. આમ, શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકો અને સરકારી ચોપડે દર્શાવાતા મૃત્યુ વચ્ચે ૧૯-૨૦ કે ૧૦-૨૦નો નહીં પણ ૧-૧૦૦ કે ૧-૧૨૦નો અતિ તોતિંગ તફાવત આવે દેખાય છે. મહાપાલિકાના ચોપડે ૧૮મી સપ્ટેમ્બર સુધીમાં પૂરા ૧૦૦ મૃત્યુ પણ નથી થયા અને બીજી તરફ કોરોનાની સારવાર લેતા ૧૨૦૦થી વધુનાં મૃત્યુ થયેલા નોંધાયા છે.
સરકાર આ તમામ મૃત્યુ કોરોનાથી થયેલા ગણે કે ન ગણે, પણ સ્વજન ગુમાવ્યાની તીવ્ર વેદના સાથે લોકો કહે છે કે શહેરમાં મૃત્યુઆંક અટકવો જોઈએ.
સિવિલ હોસ્પિટલ અંગેના એક રિપોર્ટ અનુસાર કોઈ દર્દી વાતચીત કરતા હોય અને થોડા કલાકોમાં મૃત્યુ થાય એટલે લોકો શંકા સાથે પ્રશ્નોનો મારો રોષપૂર્વક ચલાવે છે. પરંતુ, રાજકોટ આરોગ્ય વિભાગ પાસે તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર નથી.
રાજકોટ ગ્રામ્યમાં કોરોના કેસ વધવાની સંભાવના
કોરોનાનું સંકટ રાજકોટમાં વધતું જાય છે. રાજકોટનું સ્થાનિક તંત્ર કોરોના કાબૂમાં લેવામાં સતત નિષ્ફળ રહ્યું છે તેવો રોષ ઊઠી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ ત્રીજી વાર રાજકોટની મુલાકાત લીધી હતી. જયંતી રવિએ ચિંતા સાથે જણાવ્યું હતું કે, રાજકોટ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ હજુ વધવાની સંભાવના રહેલી છે.
વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતિરાનું નિધન
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતિરાનું કોરોનાને કારણે ૧૬મી સપ્ટેમ્બરે નિધન થયું હતું. જૂની પેઢીના પત્રકાર કાંતિભાઈ કતિરા ‘જયહિન્દ’ સાથે પાંચ દાયકાથી જોડાયેલા હતા. તેઓએ તત્કાલીન સંસદસભ્ય સ્વ. વિનુ મસાણી સાથે પણ કામ કર્યું હતું.
કાંતિભાઈ કતિરાએ પ્રારંભિક તબક્કામાં મુંબઈમાં સમકાલીન સહિતના સમાચાર પત્રમાં સેવા આપી હતી. સાપ્તાહિક અને પખવાડિક સહિતના મેગેઝિનોમાં પણ સેવા આપી કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાજકોટ સિવિલમાં સ્ટાફે ઢોરમાર માર્યા બાદ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત
કોરોનાની સ્થિતિ રાજકોટમાં વકરી રહી છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ એક કોરોનાગ્રસ્ત દર્દીને ઢોરમાર મારી રહ્યો હોય તેવો વીડિયો વાઈરલ થયા બાદ હાહાકાર મચ્યો છે. જોકે સિવિલ હોસ્પિટલના અધિક્ષક પંકજ બૂચે ઢાંકપિછોડો કર્યો હતો કે, ૯મી સપ્ટેમ્બરનો આ વીડિયો છે. દર્દી પ્રભાકર પાટિલને ડાયાબીટિસ અને હાઈપર ટેન્શનની બીમારી હતી. તેમને સનેપાત હોવાથી હોસ્પિટલમાં દોડાદોડ કરતા હતા. તેમને નંખાયેલી ઇન્ટ્રાવિનસ લાઈન અને રાઈલ્સ ટયૂબ કાઢી નાંખવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ પોતાને કે અન્ય દર્દીને નુક્સાન ન પહોચાડે તેથી તેઓને સમજાવીને અને તેમને કોઈ ઈજા ન પહોંચે તેમ રિસ્ટ્રેનિંગની કાર્યવાહી કરાઈ હતી. એ પછી તમને સાયકાયટ્રિસ્ટ વિભાગમાં જરૂરી ઇન્જેક્શન અપાયા હતા.
જોકે આ ઘટનામાં ૧૭મીએ સાંજે જ ઘટસ્ફોટ થયો કે તે દર્દીનું તો ૧૨મી સપ્ટેમ્બરે જ મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ વિલાસ પાટિલે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મારો મોટોભાઈ પ્રભાકર એચ. જે. સ્ટીલમાં કામ કરતો હતો. ૫મી સપ્ટેમ્બરે ભાઈને કીડનીમાં રસી થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં કીડનીમાંથી રસી નીકળ્યા બાદ ભાઈનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ૮મી સપ્ટેમ્બરે સિવિલમાં તેમને દાખલ કર્યાં. તે દિવસે રાત્રે ૧૦.૦૦ વાગ્યે ભાઈ સાથે ફોન પર વાત થઇ. એ પછી ૯મીએ હેલ્પલાઈન પર ફોન કરતાં જવાબ મળતો કે દર્દી ઊંઘે છે અને વાત કરી શકે તેમ નથી. તે પછી ૧૨મી સપ્ટેમ્બરે સિવિલમાંથી ફોન આવ્યો કે આપના ભાઈનું મોત થયું છે. ભાઈને ડાયાબીટિસ નહોતો અને તેઓ મનોરોગી પણ નહોતા. તબીબોના મારને કારણે જ મારા ભાઈનું મોત થયું છે. હાલ અંતિમવિધિ માટે મહારાષ્ટ્ર આવ્યો છું. રાજકોટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરીશ. વીડિયોમાં દેખાતું હતું કે, સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં પાંચ જણા એક દર્દી પ્રભાકર પાટિલની છાતી પર ચડીને તેને ઢોર માર મારતા હતા. વાઈરલ વીડિયો મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતના લોકોએ મુખ્ય પ્રધાનને ફરિયાદ કરી હતી કે દર્દી સાથે ગેરવર્તન કરનારા તબીબ સહિતનાને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવે.