રાજકોટ: રાજકોટમાં શિક્ષિત બે ભાઇઓ અને એક બહેન છેલ્લા ૧૦ વર્ષની એક નાની ઓરડીમાં અઘોરીની જેમ ગોંધાઈ રહ્યા હતા.
રાજકોટના કિસાનપરા ચોકમાં એક જ ઓરડીમાં બે ભાઇ અને એક બહેન ગોંધાઈ રહ્યા હતા. આ વાતની જાણ થતાં સાથી સેવા એનજીઓ ગ્રૂપના જલ્પાબહેન પટેલ અને ટીમ બે ભાઇ તથા એક બહેનને છોડાવવા આવ્યા હતા. બંને ભાઇઓએ એલએલબી અને બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે બહેને સાઇકોલોજીનો અભ્યાસ કર્યો છે. જલ્પાબહેનના જણાવ્યા મુજબ ૩ ભાઇ-બહેન માટે તેમના પિતા નવીનભાઈ મહેતા ટિફિન આપવા આવતા હતા. નવીનભાઇનું માનવું છે કે, ૧૦ વર્ષ પહેલાં તેમના પત્નીનું અવસાન થતાં તેઓ અને સંતાનો આઘાત પામ્યા હતા. સંતાનો પર મેલી વિદ્યા કરાતાં તેમની માનસિક સ્થિતિ ખરાબ થઇ હોવાની પણ તેમની માન્યતા જણાઈ હતી.
રૂમ ખોલતાં જ દુર્ગંધ
સંસ્થા દ્વારા જ્યારે ત્રણેય ભાઇ-બહેનને રૂમમાંથી બહાર કઢાયા ત્યારે દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ત્રણેયના વાળ અસ્તવ્યસ્ત વધેલા અને મેલા હતા અને મેલા પોશાકમાંથી દુર્ગંધ આવતી હતી. રૂમમાં મેલા કપડાં અને અખબારો પડ્યા હતા. સાથે શૌચક્રિયા પણ એ જ રૂમમાં થતી હતી જ્યાં તેઓ રહેતા હતા. ગ્રૂપના સભ્યોએ તમામના વાળ વધી ગયા હોવાથી કપાવ્યા હતા. તેમજ બંને ભાઇની દાઢી પણ કરી હતી. બાદમાં ત્રણેયની નવડાવ્યા હતા અને નવા કપડાં પહેરાવ્યા હતા.
ત્રણેયને ન્યાય અપાવાશે
સંસ્થાએ નવીન મહેતાને ૧૦ દિવસનો સમય આપ્યો છે. સંસ્થા દ્વારા નવીનભાઈને જણાવાયું હતું કે, યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આ બાબતે સમાજ સુરક્ષા અને પોલીસને જાણ કરી ૧૦ વર્ષથી ગોંધી રખાયેલા ત્રણેય ભાઇ-બહેનને ન્યાય અપાવવામાં આવશે.