રાજકોટઃ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના એક પોઝીટિવ કેસ સામે આવતાં જ આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં સ્વાસ્થ્ય તપાસ શરૂ થઈ ગઈ હતી. આ દોડધામ વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કેટલાક રહેવાસીઓ સ્વેચ્છાએ અન્ય સ્થળે સ્થળાંતર થઇ ગયાં હતાં ત્યારે કેટલાક જાગૃત લોકો એવા પણ મળ્યાં કે આ વિકટ સ્થિતિ વચ્ચે પણ તંત્રને સહકાર આપવા તૈયાર થઈ ગયાં. આ વિસ્તારમાંથી ૪૬ પરિવારોએ સ્વેચ્છાએ સામેથી ‘હોમ ક્વોરેન્ટાઈન’ થવાનો નિર્ણય લીધો હતો.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારનો એક યુવાન હજ પઢીને વિદેશની રાજકોટ આવ્યા બાદ તેને કોરોના લાગુ પડ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારમાં મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ઉતરી પડી હતી. જે ઘરમાંથી પોઝિટિવ કેસ મળ્યો હતો તેની આસપાસ ૪૬ એવા ઘરો છે જેઓ સીધા સંક્રમણમાં આવી શકે છે. આ ઘરોમાં આશરે ૨૦૦ જેટલા લોકો વસે છે. જેઓએ સામેથી હોમ ક્વોરેન્ટાઈન થવાની તૈયારી દર્શાવીને મહાનગરપાલિકાને સહયોગ આપ્યો છે તેઓ ૧૪ દિવસ સુધી પોતાના ઘરમાં જ રહેશે. જરૂરી એવી તમામ પ્રાથમિક સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવશે.
કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં વસતા લોકોનો ડોર ટુ ડોર સર્વે થઇ રહ્યો છે. મસ્જિદમાં કેમ્પ કરવામાં આવ્યાં છે. જે વ્યક્તિનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો તે આજી જીઆઇડીસી વિસ્તારમાં કામે જતાં હોવાનું જાણવા મળતાં ત્યાં પણ આશરે ૪૫૦૦ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જંગલેશ્વરમાં ૧૦,૦૦૦થી વધુ લોકોનાં સ્ક્રીનીંગ કરવામાં આવ્યાં હતાં.
વિદેશથી રાજકોટ આવેલા વધુ ૯૯૩ લોકોને પણ હોમ ક્વોરેન્ટાઈન કરાશે
રાજકોટ મહાનગરપાલિકાએ ૨૩મી માર્ચે જાહેર કર્યું હતું કે, વિદેશથી રાજકોટમાં આવેલા લોકોમાંથી ૪૬૦ લોકોની યાદીમાંથી ૧૫૩ લોકો સેલ્ફ કોરોન્ટાઈન થઈ ગયાં છે જ્યારે ૩૦૧ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવવાની તૈયારી થઈ ગઈ છે. અગાઉ ૨૧મી માર્ચે ૯૯૭ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવા માટે પ્રકિયા શરૂ કરી દેવામાં આવી હતી. તેઓને ૧૪ દિવસ સારવાર અપાશે.
પાલિકાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના પ્રથમ બે દર્દીમાં રાજકોટનો યુવક સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની વિગતો મળી હતી. આ સાથે ત્રણ દર્દી શંકાસ્પદ હોવાની પણ માહિતી હતી. યુવકના પરિવારમાંથી પણ ૪ વ્યક્તિ શંકાસ્પદ હોવાથી તેમને સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. રાજકોટ આવ્યા બાદ ૮મી માર્ચે યુવકને એક સપ્તાહ સુધી શરદી હોવાથી દેવપરામાં ખાનગી દવાખાનામાં તે દવા લેવા પહોંચ્યો હતો. તે દવાથી તબિયતમાં સુધારો ન થતાં અન્ય બે દવાખાનેથી દવા લીધી હતી છતાં પણ તબિયતમાં સુધારો ન થતાં આખરે ૧૬મી માર્ચે આ યુવક દેવપરામાં જ લોટસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં તબીબે તેની તપાસ કરતાં અને તેની હિસ્ટ્રી જાણતા તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે કે, ૧૧ દિવસમાં યુવાનના સંપર્કમાં આવેલા એક હજારથી વધુને કોરોન્ટાઈન કરવાની તૈયારી કરાઈ છે.
કોરોનાના દર્દીને ‘તમને કંઇ નથી’ કહી રાજકોટ સિવિલે રવાના કરી દીધો હતો
ઉલ્લેખનીય છે કે ૧૭મી માર્ચે યુવક સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, પરંતુ પ્રાથમિક સારવારમાં તબીબોએ તેને કંઈ ન હોવાનું કહીને રજા આપી હતી. જોકે ખાનગી હોસ્પિટલના તબીબે સિવિલ સર્જનને યુવક શંકાસ્પદ હોવાની જાણ કરતાં તાત્કાલિક તેને પાછો બોલાવાયો હતો અને રાત્રે દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરમાં કોરોનાના ભય વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી પકડાઈ છે. કોરોના પોઝિટિવ આવ્યો તે યુવક અને તેના પિતા ૧૭મી માર્ચે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ અહીંના ડોક્ટરે તમને કંઈ નથી કહી તગેડી મૂક્યા હતા. આ યુવક ચાર ખાનગી ડોક્ટર પાસે પણ સારવાર માટે ગયો હતો, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન થતાં ગત મંગળવારે સિવિલમાં ગયો હતો. યુવકે શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને દવા લખી આપી હતી. જો કે, એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે આ દર્દીને સિવિલમાં જવાની સલાહ આપી હતી. તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને યુવક અને તેનો પરિવાર મક્કા મદીનાથી આવ્યો હોવાની જાણ કરી હતી. યુવક અને તેના પિતા સિવિલ હોસ્પિટલમાં રવાના થયા પછી આરોગ્ય વિભાગમાંથી ફોન આવતાં બંનેને સિવિલના ડોક્ટરોએ ફોન કરીને પાછા બોલાવ્યા હતા. ૨૧ ફેબ્રુઆરીએ ૯ સભ્યોનો પરિવાર મક્કા ગયો હતો અને ૮ માર્ચે પરત ફર્યો હતો.