ભાવનગર: અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિરની આસપાસ પ્રાથમિક ગણતરીમાં જ આશરે એક સાથે ૪૫ જેટલા ગીધ તાજેતરમાં જોવા મળી આવ્યા હતા. લુપ્ત થતી આ પક્ષીની પ્રજાતિ એટલે કે ગીધ આટલી મોટી સંખ્યામાં જોવા મળતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. વિશ્વ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગીધ લુપ્ત થતા હોવાની ભીતિ વચ્ચે તેમની વસતી વધારવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. તેમજ આ પક્ષીને રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળામાં સૌરાષ્ટ્રના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિર આસપાસ આશરે ૪૫ જેટલા ગીધોનું ટોળું જોવા મળી જતાં વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓને આ પક્ષીની વધતી વસ્તીની આશા બંધાઈ છે.
ગીધ વિશાળકાય પક્ષી છે. અંગ્રેજી ભાષામાં આ પક્ષીને વલ્ચર કહેવાય છે. સામાન્ય રીતે ગીધ ઊંચા ઝાડ પર જ પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરતાં હોય છે. આ પક્ષીની પ્રજાતિ માંસભક્ષી હોય છે. તેનો મુખ્ય ખોરાક પશુ-પ્રાણીઓનાં મૃતદેહ હોય છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઊંચે-ઊંચ ઉડે છે અને પોતાનો ખોરાક તે ઊંચેથી જોઈ લે છે.
સામાન્ય રીતે સડેલા મૃતદેહ ગીધો માટે ઉજાણી હોય છે. મૃતદેહની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઈ કામદાર પણ કહેવાય છે. ગીધ એ પ્રકૃતિનું સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી, માત્રને માત્ર મૃત પશુઓને જ પોતાનો ખોરાક બનાવે છે. મરેલા પશુઓમાં અસંખ્ય જીવાણુંઓ પેદા થાય છે, જે માનવ જીવન માટે ખૂબજ હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ ગીધ પ્રકૃતિએ રચેલા પરીસતંત્રનો ખૂબ જ અગત્યનો ભાગ છે અને માનવ જીવન માટે આશીર્વાદરૂપ છે.
ર૦૧૮ની વસ્તી ગણતરીમાં ગીધનું પતન ચાલુ રહ્યું છે તેવું દર્શાવે છે અને ર૦૧૬થી ર૦૧૮ની વચ્ચે આ સંખ્યામાં ૧૮ ટકા ઘટાડો થયો. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૮ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં હવે માત્ર ૮ર૦ ગીધ જ બાકી બચ્યાં છે.