અમદાવાદઃ અમરેલી જિલ્લાની એક મહિલા પીએસઆઇએ એસપીને તાજેતરમાં અરજી કરી હતી કે, રાજુલાના સેશન્સ કોર્ટના જજે તેને વિચિત્ર મેસેજ કર્યો હતો. મહિલાએ અરજીમાં જણાવ્યું કે, ૩૧મી ઓગસ્ટે સવારે ૮.૪૦ વાગ્યે મહિલા પીએસઆઇએ પોતાનો મોબાઇલ જોયો તો તેમાં રાત્રે ૨.૪૩ વાગ્યે એક નંબર પરથી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ‘મિસ યુ ડિયર, ગુડ મોર્નિંગ અને ‘લવ યુ ટુ’ લખેલું હતું. આ મેસેજ કોણે કર્યાં હશે? તેની માહિતી મેળવવા મહિલા પીએસઆઇએ બે ત્રણ વાર તે નંબર પર કોલ કર્યાં હતાં, પરંતુ સામેથી ફોન ઉપાડાયો નહીં. જોકે મહિલાએ સતત કોલ કરતાં સામેથી કોલ ઉપડ્યો. મહિલાએ કોણ બોલો છો? કહેતાં જ કોલ કાપી નંખાયો હતો.
મહિલા પીએસઆઇએ પોલીસ સ્ટેશને જઇને સ્ટેશનના મોબાઇલ ફોનથી આ નંબર પર કોલ કર્યો હતો. તે વખતે મહિલા પીએસઆઇએ પૂછયું કે, કોણ બોલો છો? તો સામેથી જવાબ મળ્યો કે, રાજુલા એડિશનલ સેશન્સ કોર્ટનો જજ એસ. પી. ભટ્ટ બોલું છું. એ પછી મહિલા પીએસઆઇએ આ મેસેજના સ્ક્રિન શોટ લઇ આ અંગે જિલ્લા એસપીને યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી.
મારી કામવાળીએ ભૂલથી મેસેજ કર્યાં
મહિલા પીએસઆઇએ પોલીસ સ્ટેશનના નંબર પરથી જ્યારે કોલ કર્યો. ત્યારે એડિશનલ સેશન્સ જજે પોતાની ઓળખ આપી કહ્યું હતું કે, આ મેસેજ ભૂલથી મારી કામવાળીએ કર્યા છે. જોકે મહિલા પીએસઆઈની અરજી અંગે કાર્યવાહી આગળ વધારાઈ છે.