રાજુલાઃ પંથક આસપાસ વન્યપ્રાણીઓનો વસવાટ હાલમાં વધ્યો છે. એમાંય દીપડાના આંટાફેરા વધ્યા છે. રાજુલા શહેરમાં આવેલા કુંભનાથ સુખનાથ મંદિર ઉપર આવેલી ખાણોની ધારમાં દીપડો તાજેતરમાં દસેક દિવસથી આંટાફેરા કરતો હતો. શીતળા સાતમની સાંજે દીપડો મંદિર નજીક આવી ચડ્યો. જેથી શ્રદ્ધાળુ તથા મંદિરના પૂજારીએ વનવિભાગને જાણ કરતાં ત્યાં પાંજરું મુકાયું હતું. દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
મહામુસીબતે પાંજરે પૂરાયેલા દીપડાને બાબરકોટ નર્સરીમાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન દીપડાએ એક વખત ઉલ્ટી કરી એ પછી તેનું મોત નીપજ્યું હતું. વનવિભાગે જણાવ્યું કે, દીપડો આશરે ચારેક વર્ષનો હતો. તેને મગજમાં તાવ ચડી ગયો હતો.
તેના મૃત્યુથી વનવિભાગના કર્મચારીઓમાં પણ ભારે આઘાતભર્યો માહોલ જોવા મળ્યો હતો.
આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ વધી રહ્યો છે. તેનો અર્થ એ કે અહીં વન્ય પ્રાણીઓનાં સંવર્ધન અને વિકાસ માટે યોગ્ય વાતાવરણ છે. સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલી ન પડે એ રીતે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે વન વિભાગ દ્વારા યોગ્ય યોજનાઓ અમલમાં મૂકવાનું તંત્રએ જણાવ્યું છે.