અમદાવાદઃ વરિષ્ઠ વકીલ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે કોરોનાથી નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ મહિનાથી કોરોના વાઇરસની સારવાર હેઠળ હતા.
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભય ભારદ્વાજની શરૂઆતમાં રાજકોટમાં જ સારવાર આપવામાં આવી હતી. જોકે, બાદમાં તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને ખાસ વિમાન દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. ચેન્નઈની હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. આ વર્ષે થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતમાંથી સાંસદ બન્યા હતા.
પ્રતિષ્ઠિત વકીલ, સમાજસેવામાં અગ્રેસર
અભય ભારદ્વાજના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે અભય ભારદ્વાજ એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવામાં હંમેશાં અગ્રેસર રહ્યા છે. એ ખૂબ દુઃખની વાત છે કે આપણે આવા તેજસ્વી અને ખૂબ ઊંડી સમજણ ધરાવતી વ્યક્તિને ગુમાવી છે. આ વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં રમીલાબહેન બારા સાથે અભય ભારદ્વાજને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ સાંસદ બન્યા હતા.
યુગાન્ડામાં જન્મ
રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો હતો. સિનિયર વકીલ એવા અભય ભારદ્વાજનું નામ ૨૦૧૬માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમની હંગામી ધોરણે કાયદા પંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી. વિવાદ થવા પાછળનું કારણ એ હતું કે તેઓ ૨૦૦૨નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા. અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત ૬૯ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.
જુલાઈ ૨૦૧૯માં ગુજરાત સરકારે તેમને અન્ય બહુચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નિમ્યા હતા. તો કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા હતા. ગુજરાત સરકારે નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા.