યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયેલી પાટણની રાણકીવાવના વિકાસ માટે શરૂ થયેલી કાર્યવાહીમાં કેન્દ્રીય બજેટમાં તેના માટે નાણાંની ખાસ ફાળવણી થઇ છે. આવનારા દિવસોમાં રાણકીવાવ અને તેની આસપાસનો વિસ્તારમાં વિકાસલક્ષી પગલાં લેવાશે. ગત સપ્તાહે નાણા પ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ સામાન્ય બજેટમાં આ વાવ સહિત દેશની અન્ય ૨૫ સાંસ્કૃતિક હેરીટેજ સાઇટોના વિકાસની જાહેરાત કરી હતી. જેમાં દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓની જરૂરિયાતો પૂર્ણ થાય તેવી વિશ્વ કક્ષાની સગવડો ઊભી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
સાબરકાંઠા-અરવલ્લીમાં રેલ લાઇન મુદ્દે અસંતોષ
રેલ પ્રધાને ગત સપ્તાહે રજૂ કરેલા બજેટમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેલવેની બે લાઈનો માટે રૂ. ૯૦૦ કરોડની જરૂરિયાત સામે રૂ. ૧૫૦ કરોડ ફાળવણી કરી છે. આ બંને જિલ્લાના વર્ષો જૂના પ્રશ્નોની ઉપેક્ષા થઇ રહી હોવાનું લોકો કહે છે. વર્ષોથી અરવલ્લી અને સાબરકાંઠામાં મુખ્ય પ્રશ્નો અમદાવાદ-હિંમતનગર-ઉદેપુર ૨૯૯ કિ.મી રેલવે લાઇનને બ્રોડગેજ કરવાની અને મોડાસા-શામળાજી વચ્ચેની ૨૨.૫ કિ.મી રેલવે કનેક્ટિવિટી, હિંમતનગરથી ખેડબ્રહ્મા, અંબાજી થઈ આબુરોડ સુધીની રેલવે લાઈન, મોડાસાથી મુંબઈની સીધી ટ્રેન સેવા વગેરેની અનેકવાર રજૂઆતો થઈ છે.
રાધનપુર-સાંતલપુર પંથકમાં બટાટાનું માતબર ઉત્પાદન
રાધનપુર પંથકમાં કેટલાક ખેડૂતો અત્યાધુનિક પદ્ધતિથી અવનવા પાક લઇ રહ્યા છે. અગાઉ આંબળા, દાડમ જેવા પાક લીધા પછી પ્રથમવાર જ બટાટાની ખેતીના પ્રયોગમાં મોટી સફળતા મળી છે. અત્યારે રાધનપુર અને સાંતલપુર તાલુકાના પાંચ ગામના આઠ ખેડૂતોએ ૪૨ વિઘા જમીનમાં બટાટાનું વાવેતર કર્યું છે, અને મબલખ પાક જમીનમાંથી બહાર લાવી રહ્યા છે. માત્ર ૯૦ દિવસમાં બટાટા તૈયાર થઈ જતા હોવાથી ઓછા ખર્ચે વધુ નફો આપનાર પાક બની રહ્યો છે.