રામ મંદિર નિર્માણ અર્થે રૂ. પાંચ કરોડ એકત્ર કરવાની નેમ સાથે મોરારિબાપુ દ્વારા રૂ. પાંચ લાખ અર્પણ

Saturday 01st August 2020 07:21 EDT
 
 

અમરેલીઃ અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રામકથાના શ્રોતાઓ પાસેથી ઉઘરાવીને રૂ. પાંચ કરોડ મોકલાવવાની જાહેરાત સાથે પોતે રૂ. પ લાખ અર્પણ કરવાની જાહેરાત મોરારિબાપુએ કરી છે. રામ જન્મભૂમિ અયોધ્યામાં પાંચમી ઓગસ્ટે રામ મંદિરનું ખાત મુહૂર્ત થવાનું છે. તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં મોરારિબાપુએ રામ મંદિરના નિર્માણમાં રૂ. પાંચ કરોડ મોકલીશું તેવી જાહેરાત કરી છે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં પાંચ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.
મોરારિબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજરડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂ. પાંચ લાખ અર્પણ કરું છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઈ આવે તે બધા રૂપિયા મેળવીને રૂ. પાંચ કરોડ મોકલાશે. જો હું કોઈ એક વ્યક્તિને સંકેત કરું તો તે એકલા હાથે કરી શકે, પરંતુ મારે એવું કરવું નથી. મારે બધા શ્રોતા પાસેથી થોડા-થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે રૂ. પાંચ કરોડ મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી રૂ. પાંચ કરોડ રામ મંદિરના નિર્માણમાં મોકલીએ છીએ. કોઈ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. ભગવાન પણ કબૂલ કરે કે તુલસી દ્વારા દેવામાં આવી રહ્યાં છે. આમાં મોરારિબાપુ નહીં પણ બધા શ્રોતાગણ નિમિત્ત બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter