રાજકોટ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યક્રમ રાજકોટમાં ૨૧મી જાન્યુઆરીએ યોજાયો હતો. સહભાગી થતા પાંચ લાખ રૂપિયાનું સમર્પણ ભાગવતકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંદીપનિ આશ્રમના સર્વેસર્વા અને કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રૂ. પ૧ લાખનું અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીએ રૂ. ૨૧ લાખનું દાન સમર્પણ કર્યું હતું.
રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં એક જ દિવસમાં ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, દાતાઓ મળી પ૦ જેટલા આમંત્રિતો દ્વારા એક દિવસમાં રૂ. ૧.૯૦ કરોડનું સમર્પણ અયોધ્યામાં નવનિર્માણ થનારા રામ મંદિર માટે કરવામાં આવ્યું હતું. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને મૌનવ્રત હોવાથી રેકોર્ડેડ વીડિયો દ્વારા નિધી મહાઅભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈને સમર્પણ યજ્ઞમાં આહૂતિ આપવા પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. ઘોઘાવદર સ્થિત દાસી જીવણની જગ્યાના મહંત શામળદાસજી બાપુએ પણ આશીર્વચનો પાઠવ્યા હતા.
મુખ્ય પ્રધાને કાર્યક્રમમાં જણાવ્યું કે, ગુજરાતે પણ રામ મંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાન શ્રી રામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે. આજે પણ ભગવાન શ્રી રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે.