દીવઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સવિતાદેવી સહિત તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ પત્ની સવિતાદેવી ૬૦થી ૭૦ અધિકારીઓના કાફલા સાથે ૨૫મી ડિસેમ્બરે દિલ્હીથી રાજકોટ આવ્યા હતા અને ૨૫મીએ ટૂંકુ રોકાણ રાજકોટમાં કર્યા પછી તેઓએ દીવની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી.
દીવમાં વિકાસકાર્યો ખુલ્લાં મુકાયાં
દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પ્રફુલ્લ પટેલ અને કલેક્ટર સલોની રાયે ભવ્ય સ્વાગત કર્યું હતું. દીવમાં રસ્તા પર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રાચીન ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મલાલા ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં નવનિર્મિત પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ દીવમાં નાગવા બીચ, ખુકરી મેમોરીયલનું ઉદ્ઘાટન, ઘોઘલા બીચ અને કિલ્લાની મુલાકાત લીધી હતી.સૌરાષ્ટ્રની ચાર દિવસની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ કોવિંદ રાજકોટ એરપોર્ટ આવ્યા હતા. જ્યાંથી રાજકોટનાં કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનરે તેમને આવકાર્યા બાદ તેમને દિલ્હી રવાના થવા વિદાય આપવામાં આવી હતી.