કચ્છ: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને ગીરનો મુખ્યત્વે સમાવેશ હતો. ૨૯મીએ બપોરે ભુજના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી ખાસ હેલિકોપ્ટરથી ધોરડો-સફેદ રણ પહોંચ્યા હતા. તેમણે કચ્છના કુદરતી સૌંદર્ય અને હસ્તકળાને નિહાળી હતી. તેઓએ કચ્છી હસ્તકળાની વસ્તુઓની ખરીદી પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
તેઓએ કચ્છમાં બીએસએફના જવાનોને સન્માનિત કર્યાં હતાં. રવિવારે રાષ્ટ્રપતિએ સાસણ ગીરનાં ડેડકડી રેન્જ અને કેરંભા રાઉન્ડ સહિત પાંચ વિસ્તારમાં સિંહ નિહાળ્યા હતા. સોમનાથમાં રાષ્ટ્રપતિએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થળે જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એ પછી સોમનાથ મહાદેવને શ્રદ્ધાપૂર્વક વંદના કરી હતી.