ગોંડલઃ ભારત સરકાર દ્વારા દેશના પશુધનના ઉત્કર્ષ માટે પ્રથમ વખત બનેલી સર્વોચ્ચ કમિટી 'રાષ્ટ્રીય ગોકુલ મિશન'માં સર્વશ્રેષ્ઠ ગાયો માટેની કમિટીમાં ગૌવિકાસ માટે ગોંડલ ભુવનેશ્વરી પીઠના 'ગોપાલ રત્ન' આચાર્ય ઘનશ્યામજીની નિમણૂક થઈ છે. દેશના દરેક પ્રાંતમા ગાયોના તથા ગોપાલકોના વિકાસ માટેના આયોજનને આ કમિટી માર્ગદર્શન આપશે તેમજ યોજનાઓ માટે આર્થિક ગ્રાન્ટ આપી યોજનાઓના અમલીકરણનું ધ્યાન રાખશે. હાલમાં ભારત સરકારના કૃષિ મંત્રાલયની નેશનલ લાઈવ સ્ટોક મિશન'ની કમિટીમાં આચાર્ય ઘનશ્યામજી પોતાની સેવાઓ આપી રહયા છે. આ જ રીતે હવે રાષ્ટ્રીય ગોકુલ મિશનમાં પણ આચાર્ય ઘનશ્યામજી પોતાની સેવાઓ આપશે. આચાર્ય ઘનશ્યામજીની રાષ્ટ્રીય ગોકુલ મિશનની કમિટીમાં નિમણૂક થતાં ખાસ કરીને ગુજરાતના ગૌસંવર્ધન તથા અશ્વ સંવર્ધનની યોજનાઓની સાથે અન્ય પ્રાણીઓ માટે તથા પશુપાલકો માટેની વિકાસ યોજનાઓમાં નોંધનીય સુધારા થશે તેવા પશુપાલકોને આશા છે.