રાજકોટઃ ગુજરાતમાં સંઘ પરિવારના પાયાના પથ્થર ગણાતા પ્રવીણભાઇ મણિયારે ટૂંકી માંદગી પછી રવિવારે રાત્રે ૧૦ વાગ્યે રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૧ વર્ષના હતા. સાડા ચાર દાયકા કરતાં વધુ સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ, ભાજપ તેમજ સંઘપરિવારની અનેક સંસ્થાઓના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ સંઘપરિવારનો મોટો વર્ગ તૈયાર થયો છે. કુશળ ધારાશાસ્ત્રી અને શિક્ષણવિદ હોવાની સાથે અનેકવિધ સામાજિક, સહકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.
તેઓ ‘પ્રવીણકાકા’ તરીકે જાણીતા હતા. પ્રવીણકાકાનો જન્મ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ એડવોકેટ રતિલાલ અભેચંદ મણિયાર પરિવારમાં ૧-૯-૧૯૩૫ના રોજ થયો હતો. એમએ, એલએલબીનો અભ્યાસ કર્યા બાદ તેમણે ૧૯૬૨થી ૧૯૯૬ સુધી બાહોશ વકીલ તરીકે કામગીરી બજાવી હતી. ૧૯૬૭માં સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિ.ના તેઓ વ્યવસાયી વિદ્યાપ્રતિષ્ઠાન (વીપીપી) શિક્ષણ સંસ્થાની પણ તેમણે સ્થાપના કરી હતી. રાજ્યમાં પણ પૂર, ભૂકંપ, અછત, દુષ્કાળ, વાવાઝોડાં જેવી આફત આવે ત્યારે તેઓ સેવાપ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા. સેવાના ભેખધારીઓને મિશન સાથે વિઝન પણ હોવું જોઈએ એવું તેઓ માનતા હતા.
પ્રવીણકાકાના પાર્થિવદેહને સોમવારે સવારે ૮થી ૧૦ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને દર્શનાર્થે રખાયા પછી ૧૦.૩૦ વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળી હતી.
રામનાથપરા મુક્તિધામમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. પ્રવીણકાકાને પત્ની પ્રમીલાબહેન, બે પુત્રો, એક પુત્રીના પરિવાર તથા સંઘપરિવારની સંસ્થાઓના વિશાળ કાર્યકર્તા વર્ગે અંતરમનથી શ્રદ્ધાંજલિ આપી હતી.
રા.સ્વ.સંઘના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા ક્ષેત્રના કાર્યવાહ તરીકે તેમણે ચાર દાયકાથી વધુ સમયથી અને છેવટ લગી સેવાઓ આપી હતી. સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે તથા વીપીપી શિક્ષણ સંસ્થા દ્વારા તેમણે વર્ષો સુધી કામગીરી બજાવી હતી.
કચ્છના ભૂકંપ તેમ જ મોરબીની પૂરહોનારત વખતે તેમણે ઘણી કામગીરી બજાવી હતી અને પૂરપીડિત સહાય સમિતિના તેઓ મુખ્ય માર્ગદર્શક રહ્યા હતા. ૮મી ઓક્ટોબરે રાજકોટમાં યોજાયેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અભિવાદન સમારોહમાં પ્રવીણકાકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને મળ્યા પણ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રવીણકાકાના અવસાન અંગે અત્યંત શોખ અને આઘાતની લાગણી વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ જિતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રદેશપ્રવક્તા ભરત પંડ્યા, અગ્રણી જયંતીભાઈ બારોટ વગેરેએ પ્રવીણકાકાના અવસાન અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.