ઓખા: ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સમુદ્રમાં રૂ. 950 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલ સુદર્શન સેતુનું લોકાર્પણ થયાને માંડ છ માસ થયાં છે ત્યાં તેના પર ગાબડાં અને તિરાડ દેખતા હોવાના ફોટો વીડિયો વાયરલ થતાં હલચલ મચી ગઇ છે. ગત ફેબ્રુઆરીમાં લોકાર્પણ પામેલ સુદર્શન સેતુમાં 6 મહિનામાં ગાબડા પડતા અનેક સવાલ ઉભા થયા છે. અમુક જગ્યાએ તિરાડો પણ દેખાઈ છે.
બ્રીજનું નિર્માણ એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કરાયું છે. કંપની મોટા પુલ બનાવવા માટે જાણીતી છે, પરંતુ તેના અમુક પ્રોજેક્ટ પર સવાલો ઉઠ્યા છે. સુદર્શન સેતુના નિર્માણ દરમિયાન જ આ કંપનીએ બિહારમાં ગંગા નદી પર બનાવેલો એક પુલ ધરાશાયી થયો હતો. આ ઘટના પછી પ્રોજેક્ટ તેમની પાસેથી પરત લઇ લેવા સુધીની અટકળો વહેતી થઇ હતી.
બ્રિજના પોપડાં ઉખડી ગયા
દ્વારકાના સિગ્નેચર બ્રિજ (સુદર્શન બ્રિજ)ના પાંચ મહિનામાં જ પોપડાં ઊખડી ગયા છે. અંદાજે 978 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા જોવા મળતા હતા તો અમુક જગ્યાએ સાઈડની દીવાલમાં પ્લાસ્ટર ઊખડી ગયેલું જોવા મળ્યું હતું. આ ઉપરાંત અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગી ગયો છે. દ્વારકાના કલેક્ટર જી. ટી. પંડ્યાએ કહ્યું, ‘સિગ્નેચર બ્રિજ પર કામ કરવાનું કહ્યું છે અને રિપોર્ટ પણ મગાવ્યો છે કે આ કેવી રીતે બન્યું? પ્રાથમિક માહિતી પ્રમાણે, 3 ખાડા હતા. આમ તો ખાડા ન કહેવાય. ઉપરથી પોપડી ઊખડી ગઈ હતી. આને કારણે બ્રિજ બંધ નહોતો રહ્યો. આ તો નાનું ડેમેજ છે.’