રૂ. ૧૧૦૦ કરોડના ચાઇનીઝ બેટિંગ એપ કૌભાંડનો રેલો ભાવનગર પહોંચ્યોઃ ટેક્નોક્રેટ નૈસર કોઠારીની ધરપકડ

Thursday 17th December 2020 01:42 EST
 

અમદાવાદ: રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના અન્ય વેપારીઓ સુધી પહોંચશે તેમ અધિકારીઓ માને છે.
સમગ્ર કેસની વિગત એવી છે કે હૈદરાબાદના સેન્ટ્રલ ક્રાઇમ સ્ટેશનમાં ચાઇનીઝ બેટિંગ એપમાં નાણાં ગુમાવનારા એક વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેના આધારે ઇડીએ બે ચીની કંપનીઓ લિંક્યુન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ડોકીપે પ્રાઇવેટ લિમિટેડ સામે પીએમએલએ એક્ટ અંતર્ગત તપાસ હાથ ધરાઇ હતી.
ઇડીની તપાસમાં બહાર આવ્યું હતું કે આ બન્ને ચીની કંપનીઓ ભારતમાં પ્રતિબંધિત એપને પેમેન્ટ એગ્રિગેટર રિ-સેલર સર્વિસ પૂરી પાડવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય હવાલા પાડવા સહિતની ગેરકાયેદ પ્રવૃત્તિમાં સામેલ હતી. આના આધારે ઇડીએ એક ચીની નાગરિક સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. તપાસમાં આ ગેરકાયદે આર્થિક વહેવારોનું મૂલ્ય રૂ. ૧,૧૦૦ કરોડનું હોવા જાણવા મળ્યું હતું.
ઇડીની વધુ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે આ કૌભાંડ હેઠળ મળેલા પૈસામાંથી ભાવનગર સ્થિત ૨૬ વર્ષીય ટેકનોક્રેટ નૈસર કોઠારીએ પોતાના ખાતામાં રૂ. ૧૪ કરોડની યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી ખરીદીને તેને હોંગકોંગ અને ચીનના ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. કોઠારી ૨૦૧૬થી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરતો હતો.
ઈડીએ આરોપી નૈસર કોઠારીની ધરપકડ બાદ જુદી જુદી એજન્સીને સાથે રાખીને કેટલીક કંપનીઓ, તેમના ડિરેક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની નોંધણી કચેરીઓ પર દેશભરમાં દરોડા પાડયા છે. આ લોકો ભારતની બહારથી હોસ્ટ કરેલી વેબસાઇટ્સ પર ગેરકાયદે બેટિંગ - ઓનલાઇન સટ્ટાબાજીની એપ્લિકેશનો ચલાવવામાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter