અમદાવાદ: નવલખી બંદર પર રૂ. ૧૯૨ કરોડના ખર્ચે ૪૮૫ મીટરની અદ્યતન જેટી બનશે. આ પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ આ જેટીનું નિર્માણ રૂ. ૧૯ર.૩૩ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે. ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ. ૪૦ કરોડની સહાય નવલખી બંદરને મળશે. કાર્ગોના આયાત નિકાસ વૃદ્ધિથી વાર્ષિક અંદાજે રૂ. ૫૦ કરોડની વધારાની આવક રાજ્યને મળશે. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન હોવાનું જણાવાયું છે. જેટીને જોડતી રેલવે લાઇન પણ ભારતીય રેલવેએ નાંખી છે. અહેવાલો પ્રમાણે પ્રવર્તમાન ૬ રેક પ્રતિદિનની ક્ષમતા વધારીને ૯ રેક કરવાની ભલામણ કરાઇ છે. નવલખી બંદરની પ્રવર્તમાન કેપેસિટી વાર્ષિક ૮ મિલિયન મેટ્રિક ટન છે તે વધારીને વાર્ષિક ૨૦ કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. પરિણામે બંદરની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાર્ષિક ૧૨ મિલિયન મેટ્રિક ટન વધારો કરવાનું આયોજન છે.
નવલખી બંદર ૧૯૩૯થી કાર્યરત છે. વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરેથી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે. હાલ નવલખી બંદર પર કુલ ૪૩૪ મીટર લંબાઈની જેટીઓ આવેલી છે.