રાજકોટઃ સૌરાષ્ટ્રના સિંગદાણાના વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં રૂ. ૩૦૪. ૧૭ કરોડનું બોગલ બિલિંગ અને રૂ. ૧૫.૨૧ કરોડની જીએસટીની ચોરીના કેસમાં જીએસટીના અધિકારીઓએ પ્રવીણ ભગવાનજી તન્નાની ધરપકડ કરી હતી. પ્રવીણ તન્નાને ૨૩મી સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને એક દિવસના રિમાન્ડ પર રાખવા જણાવ્યું હતું. આ જ કૌભાંડના સંદર્ભમાં ૧૯મી ઓગસ્ટે સંજય બાલુભાઈ મશરૂની જીએસટીના અધિકારીઓએ ધરપકડ કરી હતી.
મજૂરી કરનારાઓ અને સામાન્ય નોકરી કરનારાઓને નામે જીએસટી નંબર મેળવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. કામદારોના નામે જીએસટી નંબરને આધારે ઇ-વે બિલ જનરેટ કરીને કૌભાંડ થયાની ચર્ચા હતી. વેપારીઓ અને અન્ય પેઢીઓને માલ રવાના કરવા માટે ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતા. આ માલ અન્ય રાજ્યમાં મોકલાવ્યો હોવાનું કાગળ પર જ બતાવવામાં આવ્યું હતું. આ રીતે કુલ રૂ. ૩૦૪.૧૭ કરોડના બોગસ બિલના વહેવારો તેમણે કર્યાં હોવાનું કહેવાય છે. તેને આધારે તેમણે રૂ. ૧૫.૨૧ કરોડની બોગસ ઇન પુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવ્યાનું જણાયું છે.
સંજય મશરૂની આ જ કેસમાં ૧૯મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તેને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. જૂનાગઢના પ્રવીણ તન્નીના ભૂમિકા પણ આ કૌભાંડમાં મહત્ત્વની હોવાનું જણાતા તેની ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૭૪ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધી પ્રવીણ તન્ના નાસતો ફરતો હતો. પોરબંદર પાસેના ગામમાં તે છુપાયેલો હોવાની બાતમી મળતા તેને શોધી કાઢીને ૨૨મી સપ્ટેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. બોગસ બિલિંગના જુદાં જુદાં કૌભાંડોમાં મળીને અત્યાર સુધી ગુજરાતમાંથી ૫૦ જણની ધરપકડ કરવામાં આવી છે.