રાજકોટઃ જસદણ નજીકના મઢડા ગામના અને આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહી ખેતીકામ - ડ્રાઈવિંગનું કામ કરતા હરેશ જેસંગ ચાવડા પાસે રૂ. ૫૦૦ની જૂની ચલણી નોટો હોવાથી તે વટાવવા નીકળ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે હરેશ જેસંગ ચાવડા, તેના પિતરાઈ ભાઈ દિલીપ બાધા ચાવડા અને ધોરાજીના અને હાલમાં વાવડીમાં રહેતા મેહુલ ઉર્ફે મૌલિક લાલજી બાબરિયાને ઝડપી લીધા હતા. ત્રણેયની તપાસ કરતાં રૂ. ૩૬ લાખની રૂ. ૫૦૦ ના દરની ચલણી નોટો અને એક બાઈક પોલીસે કબજે લીધું હતું. હરેશે ચારેક વર્ષથી રદ થયેલી રૂ. ૫૦૦ની નોટો ઘરમાં સાચવી હતી તે મેહુલના સંપર્કમાં આવતા મેહુલે આ નોટો દસથી બાર ટકા કમિશને બદલાવી દેવાનું કહ્યું હતું. હરેશ અને દિલીપ મેહુલ સાથે મળીને કૌભાંડ આચરે તે પહેલાં જ ક્રાઈમ બ્રાંચે ત્રણેયની ધરપકડ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.