અલંગઃ ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યું છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રૂપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે. આ જહાજ રાષ્ટ્રગૌરવના નામે રૂ. ૩૮.૩૪ કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રૂપ તેને રૂ. ૧૦૦ કરોડથી વધુમાં વેચવા તૈયાર થયું છે. ચર્ચા છે કે, જહાજ આશરે રૂ. સવા સો કરોડ સુધીમાં વેચાણ અર્થે મુકાયું છે.
શ્રીરામ ગ્રૂપના મુકેશ પટેલે કહ્યું હતું કે, આમ તો જહાજની કિંમત રૂ. સવા સો કરોડ છે, પણ હું રૂ. ૧૦૦ કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વિટેક મરિન તૈયાર થઈ છે.
ભારતીય નૌકાદળની શાન ગણાતા બીજા વિમાન - વાહક જહાજ આઇએનએસ ‘વિરાટ’ને સમુદ્રી સંગ્રહાલયમાં ફેરવવા માટે કોઇ રાજ્યની સરકારે તૈયારી ન બતાવતા છેવટે નેવીએ જહાજને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લેવો પડયો હતો. અત્યારે આ જહાજ ભાવનગર પાસેના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પહોંચી ગયું છે.
આઇએનએસ ‘વિરાટ’નું લિલામ થયું ત્યારે અલંગની કંપની શ્રીરામ ગ્રૂપે રૂ. ૩૮.૫૪ કરોડમાં ખરીદી લીધું હતું અને તેને અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાવવામાં આવ્યું છે. હવે આ જહાજને ભાંગતુ બચાવવા માગતી મુંબઇની એક કંપની પાસે રૂ. ૧૦૦ કરોડની માગ લિલામમાંથી ખરીદનાર કંપની તરફથી કરાઈ છે.