પોરબંદરઃ પાકિસ્તાનનાં ગ્વાદર બંદરેથી રૂ. ૫૦૦ કરોડનાં હેરોઈનના જથ્થા સાથે ઇરાની બનાવટની ડાઉ પ્રકારની બોટ ૯ ખલાસીઓ સાથે રવાના થઈ ગઈ હતી. આ અંગેની બાતમી એટીએસનાં અધિકારી એસીપી બી પી રોજિયાને મળતાં તેમણે ઉચ્ચ અધિકારીઓને વિગતો આપી હતી. જેને પગલે કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સનાં કમાન્ડોની મદદથી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એટીએસે ૧૦૦ કિલો હેરોઇન કબજે કરવા સાથે ૯ ઇરાની ખલાસીઓને ઝડપ્યાં હતા. જોકે, એટીએસ-કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સનાં કમાન્ડોને જોતાં જ ખલાસીઓએ બોટમાં રહેલા ફ્યુઅલથી બોટ મધદરિયેજ સળગાવી દીધી હતી.
ચોંકાવનારી વિગતો
પકડાયેલા નવ ઈરાનીઓને ૨૭મીએ પોરબંદર લાવીને તેમના ૧૪ દિવસના રિમાન્ડની માગ કરાતા કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. નવમાંથી એક ઈરાની ડ્રગનો બંધાણી હોવાથી સારવાર માટે તેને હોસ્પિટલે ખસેડાયો હતો. આકરી પૂછપરછમાં ઈરાનીઓએ કબૂલાત કરી કે, હેરોઈનનું કન્સાઈનમેન્ટ પાકિસ્તાન સ્થિત હામિદ મલિક દ્વારા મોકલવામાં આવ્યું હતું અને દિલ્હીમાં રહેતા અનિસ મલિકને આપવાનું હતું. આ કેસમાં મુંબઈના બદરુદીન શેખનું નામ પણ ખૂલતાં સુરક્ષા એજન્સીઓએ આ મુદ્દે વધુ તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં રૂ. ૪૫૦૦ કરોડનો હેરોઇનનો જથ્થો કબજો કરાયો હતો. ભારતીય કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી હેનરી નામની શિપમાંથી રૂ. ૪૫૦૦ કરોડની કિંમતનો ૧૪૫૬ કિલો હેરોઇનનો જથ્થો કબજે કર્યો હતો. ૯ આરોપીઓને ઝડપી લેવાયા હતા.
પકડાયેલા ઈરાનીઓ
અયુબ મોરાદ બાલોચ (ઉ. ૩૯), અમીન મહમદ દોરજાડે (ઉ. ૨૬), ઈશાક અબ્દુલરહીમ દીલસાદી (ઉ. ૩૩), મહમદસલામ આંદીલ દીવદેલ (ઉ.૩૯), વાહીદ પીરમામદ બાલોચ (ઉ. ૨૫), ઉમ્મીદ મુસા ઈરાનાખ (ઉ. ૨૦), તાહેર મૌલાદાદ રાઝ (ઉ. ૩૪) સાજીદ ઉમર ખુશે (ઉ. ૨૦), દોરમાહમદ નાકીબ રાયસી (ઉ. ૬૩)