વડોદરાઃ કરજણના જૂની જીથરડી ગામમાં ગુરુકુળ બનાવવા સુભાનપુરાના એસ્ટેટ બ્રોકર સાથે રૂ. ૧૩.૭૫ કરોડની ઠગાઈ કરવાનું કૌભાંડ આચરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા ૬ વર્ષથી નાસતાં ફરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના કે. પી. સ્વામી અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની સીઆઈડી ક્રાઈમે આ મુદ્દે ધરપકડ કરી છે. બંને આરોપીઓ ધરપકડથી બચવા ગુરુકુળ તથા ખાનગી મકાનોમાં સંતાઈને રહેતાં હતાં. ઉલ્લેખનીય છે કે, છ વર્ષ પહેલાં સુરતના બિલ્ડરની સાથે મળી બે સ્વામીએ વેચાયેલી જમીન એસ્ટેટ બ્રોકર ખરીદે તે માટે લલચાવવાનું કાવતરું ઘડયું હતું અને આશરે કુલ રૂ. ૧૪ કરોડ પડાવ્યા હતા. આ જમીન પહેલાં વેચાયેલી હતી.
સુભાનપુરામાં રહેતાં એસ્ટેટ બ્રોકર સોનેશ પટેલનો થોડા વર્ષ પહેલા આણંદના જમીન દલાલ મિત્તલ છગન હિરાણી થકી સુરતના ભેજાબાજ શૈલેષ બાબુ ભટ્ટ સાથે પરિચય થયો હતો. શૈલેષે પોતાની ઓળખ અમદાવાદ કાલુપુર સ્વીમીનારાયણ મંદિરના વહીવટદાર તરીકે આપ્યો હતો. શેલેષે સોનેશ પટેલને કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયને ધાર્મિક હેતુ માટે જમીન લેવાની છે, તમે રોકાણ કરશો તો મોટો ફાયદો થશે. એ પછી કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના ૩ સ્વામીએ જમીન દલાલના ઘરે મિટિંગ કરીને જમીન ખરીદવા સોનેશ પટેલને કહ્યું હતું. સોનેશ પટેલે તૈયારી બતાવતાં શૈલેષે કરજણના જીથરડી ગામે સર્વે નં. ૩૧ તથા ૩૨/અ/૧ વાળી જમીન બતાવી હતી. ભેજાબાજ શૈલેષે આ જમીનના મૂળ માલિક અનુપમ બાલુ પટેલ તથા નગીન અંબાલાલ પટેલ હોવાનું જણાવ્યું હતું.
જમીન ગુરુકુળ બનાવવા લાયક હોવાથી ૩૬ વીઘા જમીનનો રૂ. ૨૦.૮૧ કરોડમાં સોનેશ પટેલે સોદો કરીને રૂ. ૫ લાખ ટોકન પેટે અને રૂ. ૧.૨૫ કરોડ આરટીજીએસથી ચૂકવ્યા હતા. આ અંગે તૈયાર કરેલા એમઓયુમાં શૈલેષ ભટ્ટ અને મિત્તલ હિરાણીએ સહીઓ કરી હતી.
૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૩ સુધીમાં સોનેશ પટેલે રૂ. ૧૩.૭૫ કરોડ જમીન પેટે ચૂકવી દીધા હતા. જોકે, ટાઈટલ ક્લિયરની કાર્યવાહી વખતે તેમને ખબર પડી કે, અનુપમ અને નગીન બંનેએ અગાઉ ૬ વ્યક્તિઓને આ જમીનના બાનાખત તથા વેચાણ દસ્તાવેજ કરી આપ્યા છે. આથી બનાવની ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાઈ હતી.
પ્રાથમિક તપાસ થયા બાદ વધુ તપાસ વડોદરા સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. જેથી સીઆઈડી ક્રાઈમે જરૂરી પુરાવા એકત્ર કરી કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કે. પી. સ્વામીની સુરેન્દ્રનગરના રતનપુરા અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની અમદાવાદથી ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ કૌભાંડી નગીન, મિત્તલ, મહેશ ઉર્ફે મફો પટેલ અને અનુપમની ધરપકડ થઈ ચૂકી હતી.
સ્વામીઓ ગુરુકુળ સહિતના સ્થળે છુપાતા
ગુરુકુળ બનાવાના બહાને રૂ. ૧૩.૭૫ કરોડનું ચિટીંગ કરવાના કૌભાંડમાં ૬ વર્ષથી પોલીસને હંફાવતાં કે. પી. સ્વામીએ હાઈ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાના પણ પ્રયાસ કર્યાં હતા. જોકે, હાઈ કોર્ટનું કડક વલણ જોઈ તેમણે જામીન અરજી પાછી ખેંચી હતી. ધરપકડથી બચવા આરોપી સ્વામી સુરેન્દ્રનગર ખાતેના ગુરુકુળમાં છુપાઈને રહેતા હતા. જ્યારે કરજણના આરોપી હિતેશ ઉર્ફે નાના સ્વામી ઘર બદલીને અમદાવાદ પહોંચી ગયા હતા. અમદાવાદમાં આનંદનગરના મકાનમાં તે રહેતાં હતા. સીઆઈડીની ટીમે બંને સ્થળે દરોડા પાડી કે. પી. સ્વામી અને હિતેશને પકડી લીધા હતા.
ત્રીજા સ્વામી તાજના સાક્ષી
કરજણ જમીન કૌભાંડમાં કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાયના ત્રીજા સ્વામી આત્મપ્રકાશને સીઆઈડીએ તાજના સાક્ષી બનાવી તેમનું ૧૬૪ મુજબનું નિવેદન લીધું હતું. કારણ કે, મિટિંગ વખતે આત્મપ્રકાશ પણ હાજર હતા.