ખાંભા: સમગ્ર ગીરમાં રેવન્યુ અને જંગલની બોર્ડર પરના ૧૦૦થી વધારે સિંહોને જીપીએસ રેડિયો કોલર લગાવવાની કામગીરી ગીરમાં ચાલે છે. થોડા સમય પહેલાં જ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે સિંહોનું લોકેશન અને મોનીટરિંગ રાખવા સિંહોને જીપીએસ રેડિયો કોલર લગાવવામાં આવશે. હાલ ગીરમાં ૫૦થી વધારે સિંહોને રેડિયો કોલર લગાવી દેવામાં આવ્યા છે. સિંહોને જોકે રેડિયો કોલર પહેરાવવાથી તેઓના સ્વભાવમાં અમુક નકારાત્મક ફેરફાર નોંધાયા છે. રેડિયો કોલરથી સિંહો પરેશાન જોવા મળી રહ્યા છે.
ખાંભા નજીક આદસંગ ડુંગર વિસ્તારમાં બે સિંહણ અને સાત બચ્ચાનું ગ્રુપ વસવાટ કરી રહ્યું છે. જેમાં એક સિંહણને વન વિભાગ દ્વારા ગળામાં રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા હતા. જેના કારણે સિંહણ પરેશાન જોવા મળી રહી હતી અને આ રેડિયો કોલર પટ્ટો લટકતો હોય તેવી તસવીર પણ કેમેરામાં કેદ થઇ હતી. આ અંગે સ્થાનિક સિંહ પ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
તાજેતરમાં ગીરમાં બે રેડિયો કોલર બેલ્ટ પહેરાવેલા સિંહના પણ મોત થઈ ચૂક્યા છે. વન વિભાગ દ્વારા સિંહોને લગાવેલા રેડિયો કોલર પ્રત્યે મોનીટરિંગનો અભાવ જોવા મળી રહ્યો છે.
સિંહપ્રેમીઓ જણાવે છે કે, સંશોધન વગર અને નિષ્ણાતોની સલાહ વગર સિંહોને રેડિયો કોલર પહેરાવાયા હોવાનું અનુમાન છે. સિંહોને ટ્રેનક્યુલાઈઝ કરીને બેહોશ સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવી રહ્યા છે. સિંહો પર બેહોશીની દવાની આડઅસરથી સિંહોનું આયુષ્ય ઘટી શકે છે. વળી, રેડિયો કોલરનો પટ્ટો દોઢેક કિલોનો હોવાથી સિંહને અકળામણ થતી હોવાનું લાગે છે. સિંહોના સ્વભાવ ચીડિયા બની રહ્યા છે અને એક પ્રકારનું બંધન અનુભવી રહ્યા છે. સાવજો માટે હવે રેડિયો કોલરની પણ સમસ્યારૂપ બની રહ્યા છે. વન વિભાગ દ્વારા સિંહોની આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવવો જોઈએ.