રાજકોટ: કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનોના કાળાબજાર કરતી એક ટોળકીને ૨૭મી સપ્ટેમ્બરે ઝડપી લેવાઈ છે. ક્રાઈમબ્રાન્ચે ડમી ગ્રાહક ઊભો કરી ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ચેનલ ખુલ્લી પાડી મહિલા સહિત પાંચને ઝડપી લઈ તેની પાસેથી રેમડેસિવિરના બે ઇન્ડેકશનન કબજે કર્યાં છે. કોવિડ ટેસ્ટ બાદ આ કેસમાં કાયદેસર કાર્યવાહી કરાશે.
કોવિડના દર્દીઓ માટેના ‘રેમડેસિવિર’ રૂ. ૪૮૦૦ની કિંમતના ઇન્જેક્શન રૂ. ૧૦ હજારમાં વેચાતા હોવાની ફરિયાદ ઉઠતાં પોલીસે ડમી ગ્રાહક મોકલી ગોંડલ રોડ પર શાંતિ કોવિડ હોસ્પિટલ નજીકથી નર્સિંગની મહિલા દેવ્યાની જીતેન્દ્ર ચાવડા તેમજ વિશાલ ભૂપત ગોહેલને કાળા બજાર કરતા ઝડપી લીધા હતા.
પોલીસ પૂછપરછમાં વધુ નામ ખૂલતાં અંકિત મનોજ રાઠોડ, જગીદ ઇન્દ્રવદન શેઠો અને હિંમત કાળુ ચાવડાની અટકાયત કરી તેની પાસેથી બે ઇન્જેકશન કબજે કર્યાં છે. શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી દેવ્યાની અને તેનો ફિયાન્સ વિશાલની પૂછતાછ બાદ વધુ તપાસ હાથ ધરી છે.