બાંટવાઃ પાકિસ્તાનમાં જેમનું અગ્રીમ હરોળમાં નામ લેવાય છે એવા અબ્દુલ સતાર એધી બાંટવાનાં વતની હતાં. તેમનાં નિધન બાદ અબ્દુલ સતાર એધીનાં નામે હાલ પાકિસ્તાનમાં એક સંસ્થા ચાલી રહી છે. જેનું નામ અબ્દુલ સતાર એધી ફાઉન્ડેશન છે. વતનનું ઋણ ચૂકવવાનાં હેતુથી આ ફાઉન્ડેશન બાંટવામાં પણ નાની-મોટી પ્રવૃત્તિ કરે છે. આ ફાઉન્ડેશન દ્વારા બાંટવા નગરપાલિકામાં પટ્ટાવાળામાં નોકરી કરતાં કિરીટભાઇ બારોટનું સન્માન કરવાનો નિર્ણય કરાયો છે. કિરીટભાઇ રોજ ૪ કિમી સાઇકલ લઇ ઘેર-ઘેર ફરીને ટિફિન એકત્ર કરે છે. રોજનાં ૩૫ ટિફીન ભેગા કરી તેઓ અપંગ, વૃદ્ધ, નિરાધાર, માનસિક અસ્થિર લોકોને ભોજન કરાવે છે. આ સેવાથી પ્રેરાઇને પાકિસ્તાનની સંસ્થા અબ્દુલ સતાર એધી ફાઉન્ડેશન દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. કિરીટભાઇ કહે કે, મારું સન્માન કરાચી અને લાહોરમાં થશે એવું ફાઉન્ડેશને જણાવ્યું છે. આ સન્માન આમ તો વહેલા થાત, પણ મારી પાસે પાસપોર્ટ ન હોવાને કારણે મોડું થયું છે. મેં પાસપોર્ટ બનાવવા આપ્યો છે અને સંસ્થા દ્વારા વિઝા મોકલવામાં આવશે.
એક સમયે રોટલી ફેંકાઈ હતી
કિરીટભાઇ પોતાનાં અનુભવ વર્ણવતા કહયું હતું કે, શરૂઆતમાં હું એક ઘરે ટિફિન લેવા ગયો હતો તે બહેને મને બહાર ઉભો રાખ્યો હતો. મને શાક, દાળ ઉપરથી આપ્યા હતા. જયારે રોટલી તો દૂર ફેંકીને જ આપી હતી. આથી મેં કહયું હતું કે, બહેન હું દરેક વિસ્તારમાં જાઉ છું. જ્ઞાતિ જોતો નથી. તો તમે મારી સાથે વર્તન આવું કેમ કર્યુ? હું કોઇથી અભડાતો નથી. એ પછી રાત્રે મને ફોન આવ્યો હતો અને તેઓને ભૂલ સમજાતમાં ખૂબ રડવા લાગ્યાં હતાં અને મારી માફી માગી હતી.