રાજકોટઃ વર્ષો પૂર્વે વ્યવસાય માટે વતનથી દૂર વિદેશમાં વસવાટ કરવા છતાં પોતાના વતનને એનઆરઆઈઓ ક્યારેય ભૂલતા નથી. લંડનમાં રહેતા સૂર્યકાંતભાઈ જગજીવનદાસ શાહ અને તેમનો ઓસ્ટ્રેલિયા સ્થિત પરિવાર તેની સાબિતી છે. આ પરિવારે વતન ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળચંદ ગામમાં એક શાળાનું નિર્માણ કરાવીને માતૃભૂમિનું ઋણ અદા કર્યું છે.
આ શાળાનું નિર્માણકાર્ય રાજકોટની સેવાભાવી સંસ્થા પ્રોજેક્ટ ‘લાઈફ’ મારફત થયું છે. ‘પ્રોજેક્ટ લાઈફ’ સંસ્થા દ્વારા નિર્માણ પામેલી સ્વ. મધુરીબહેન સૂર્યકાંતભાઈ શાહ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે તાજેતરમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.કે., કેનેડા તથા ભારતના ૫૮ જેટલા મહાનુભાવોની ઉપસ્થિતિ હતી.
આ શાળાની અર્પણવિધિ લંડનવાસી સૂર્યકાંતભાઈ જગજીવનદાસ શાહ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં રહેતા દિપ્તી મેકગોવન, ડો. સંજીવ શાહ, કુ. માયા મેકગોવન અને ડો. જેરાલડીન ટાઉનેન્ડના હસ્તે કરાઈ હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ફાઉન્ડેશનના એમ.ડી. અને સીઈઓ મહેન્દ્રકુમાર રેખી, એસબીઆઈ ફાઉન્ડેશનના રાજારામ ચવાન, ‘પ્રોજેક્ટ લાઈફ’ના શુભેચ્છકો, દાતાઓ, નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે.ના પ્રમુખ ધીરુભાઈ ગલાણી, રમેશભાઈ શાહ, ભોગીલાલભાઈ સંઘવી, ડો. શરદ દેસાઈ, ડો. મીનાક્ષી દેસાઈ, કમલ શાહ, અમેરિકાના કિરીટભાઈ, પન્નાબહેન દેસાઈ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર. ડી. પાંચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૂર્યકાંતભાઈ શાહે શાળાના લોકાર્પણ વખતે કહ્યું કે, આ શાળામાં બાળકો સારો અભ્યાસ કરીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કટિબદ્ધ બને તેવી શુભેચ્છા છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટમાં ‘પ્રોજેક્ટ લાઈફ’ જેવી સંસ્થા જે રીતે શિક્ષણક્ષેત્રે સેવાકાર્યો કરે છે તે અભિનંદનને પાત્ર છે. અન્ય દાતાઓએ પણ સંસ્થાની સેવાભાવી પ્રવૃત્તિને વખાણી હતી તેમજ ભવિષ્યમાં પણ સેવાકાર્યોમાં પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
‘પ્રોજેક્ટ લાઈફ’ના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંત કોટિચાએ સંસ્થાના શાળાનિર્માણ પ્રોજેક્ટની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૦૦૧માં ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણી બધી શાળાના મકાનો નાશ પામ્યા હતા અથવા જર્જરિત થઈ ગયા હતા. ‘પ્રોજેક્ટ લાઈફ’ દ્વારા આ શાળાઓનું નવનિર્માણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૭૫ શાળાઓનું લોકાર્પણ પણ થઈ ગયું છે. સંસ્થાએ કુલ ૧૦૮ શાળા નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને સૌ મહેમાનોએ તાળીઓના ગડગડાટથી બાળાઓને વધાવી લીધી હતી.
‘પ્રોજેક્ટ લાઈફ’ સંસ્થા વતી શશિકાંતભાઈએ કહ્યું હતું કે, ‘પ્રોજેક્ટ લાઈફ’ માનવકલ્યાણલક્ષી પ્રવૃત્તિઓના સેવાયજ્ઞને રૂબરૂ નિહાળવા માટે આપ સૌ એનઆરજી અને એનઆરઆઈને આમંત્રણ પાઠવે છે. આપ હવે પછીની ગુજરાતની અને ભારતની મુલાકાત વખતે રાજકોટ ‘પ્રોજેક્ટ લાઈફ’માં આવવાનું ચૂકશો નહીં તેવી આશા છે.