રાજકોટઃ તરુણીઓને ભોળવીને તેમને ભગાડી જવા કુખ્યાત પ્રોફેસર ધવલ ત્રિવેદીએ ચોટીલામાં અંગ્રેજીના ક્લાસિસ ખોલ્યા હતાં અને વર્ષ ૨૦૧૮માં એક વેપારી પરિવારની પુત્રીને તે ભગાડી ગયો હતો. આ મામલે સીબીઆઈએ તપાસ કરતાં અંતે ૭મી જૂને સવારે પરિવારને પુત્રી મળી છે. જોકે ભાગી ગયેલી તરુણી પુત્રી માતા બની છે અને તેની સાથે તેનું એક બાળક પણ છે. તે બાળક સાથે જ મા-બાપના ઘરે આવી છે. બિહારથી એક યુવક આ યુવતીને મૂકવા આવ્યો હતો. ચોટીલામાં વર્ષ ૨૦૧૮માં અંગ્રેજીના વર્ગો શરૂ કર્યાના ૧૫ જ દિવસમાં ધવલ ત્રિવેદી તરુણીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તરુણીના પરિવારે ભારે ઉહાપોહ કર્યા બાદ આ કેસ સીબીઆઈને સોંપાયો હતો. પુત્રી ઘરે આવ્યા પછી સીબીઆઈની ટીમે તેની પૂછપરછ કરીને ધવલ ત્રિવેદીનો પત્તો મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.