સુરેન્દ્રનગરઃ લખતરના રાજ પરિવારનાં મહેલમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ અને રૂ. ૪૦ લાખના સોના-ચાંદીના વાસણો તાજેતરમાં ચોરાઈ ગયા છે. ૧૧મીએ સવારે પૂજા અર્ચના કરવા રાજવી પરિવારના સભ્યો હવેલીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. રાધાકૃષ્ણની મૂર્તિ સાથે અન્ય દેવીદેવતાઓની મૂર્તિની પરંપરાગત રાજવી પરિવાર પૂજા અર્ચના કરે છે. તસ્કરોએ બારણાનું તાળંુ તોડી પેટીમાં રાખેલી ચાવીઓ દ્વારા તાળાં ખોલી મંદિરમાં રાખેલી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની પંચ ધાતુની મૂર્તિની સાથે રઘુનાથજી, જમુનાજી, ઠાકોરજી સહિતની મૂર્તિ તથા તેમને ભોજન કરાવવા માટે સોના ચાંદીના વાસણો, સોનાની કંકાવટી, સોનાનો દડો સહિત સોના ચાંદીની ૩૧ વસ્તુ મળીને કુલ રૂ. ૪૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ ઘટના અંગે રાજવી પરિવારના હરપાલસિંહ ઉર્ફે હેપીદાદા ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસવડા મન્નિદરસિંહ પવાર પોલીસ કાફલા સાથે દોડી પહોંચ્યા હતા. તસ્કરોના પગેરા માટે ડોગસ્કવોડની મદદ પણ લેવાઈ હતી.